Mumbai

વિરાર-સફાલે રો રો ફેરી બોટ કલાકો ફસાઈઃ 200 પ્રવાસીના જીવ અદ્ધર

By GS TEAM
6 Oct 20252 mins read
વિરાર-સફાલે રો રો ફેરી બોટ કલાકો ફસાઈઃ 200 પ્રવાસીના જીવ અદ્ધર

પ્રવાસીઓ તથા વાહનોનું ઓવરલોડિંગ કરાતાં ઘટના

ડરી ગયેલા પ્રવાસીઓએ વિડીયો વાયરલ કરી મદદના પોકાર કર્યાઃ મરીન રેસ્ક્યૂ ટીમ સહિતની એજન્સીઓ દોડી : રાતે સલામત છૂટકારો

મુંબઈ: વિરાર અને સફાલે વચ્ચે ચાલતી રો રો ફેરી સર્વિસ બોટ આજે મોડી સાંજે સફાલેના જાલસારથી નીકળ્યા બાદ વિરારના નારીંગી ખાતે જેટી પાસે જ દરિયામાં ફસાઈ ગઈ હતી. આ જેટી પર ૨૦૦થી વધુ લોકો સવાર હતા. તંત્રએ બચાવ કામગીરી માટે મોડી રાત સુધી ભરતીની સ્થિતિ અનુકૂળ બને તેની રાહ જોઈ હતી. ફેરી બોટમાં ક્ષમતા કરતાં વધારે પ્રવાસીઓ બેસાડાતાં તથા વધારે વાહનો મૂકાતાં ઓવરલોડિંગને કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક  દ્રષ્ટિએ મનાય છે. આ બનાવ  અંગે તપાસના આદેશો પણ અપાયા છે. 

સફાલાના જાલસારથી નીકળેલી રો-રો સવસ બોટ વિરારના નારીંગી ખાતે જેટી પાસે દરિયામાં ફસાઈ ગઈ હતી. જેટીના રેમ્પનો હાઇડ્રોલિક પંપ તૂટી ગયો હતો, જેના કારણે બોટ કિનારે સરકી ગી હતી. 

રવિવારે સાંજે ૫.૩૦ વાગ્યે સફાલાના જાલસારથી ફેરી બોટ નીકળી હતી. તેમાં ૨૦૦થી વધારે પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા હતા. આ ઉપરાંત ટુ વ્હીલર તથા ફોર વ્હીલર મળીને આશરે ૭૫ જેટલાં વાહનો પણ હતાં. બોટ વિરારના નારીંગી જેટી પાસે રોકવાની હતી. રેમ્પ પરનો હાઇડ્રોલિક પાઇપ અચાનક તૂટી  જતાં  આ કારણે, મુસાફરો બોટમાં ફસાઈ ગયા  હતા. 

બોટ પરના મુસાફરોએ તેમના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા.  મુસાફરોએ જણાવ્યું હતું કે, આ સ્થળે કટોકટીની વ્યવસ્થાનો અભાવ છે. જ્યારે સ્ટાફનું વર્તન પણ ખરાબ હતું. પ્રવાસીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. તે તમામ ભારે ભયભીત બન્યાં હતાં. 

સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર બનાવની માહિતી મળતાં સ્થાનિક પોલીસ ઉપરાંત મરીન રેસ્ક્યૂ ટીમો સ્થળ પર પહોંચી હતી. હાઈડ્રોલિક પંપનું રિપેરિંગ કરી બોટને જેટી પર લાવવા  પ્રયાસો ચાલુ કરાયા  હતા. તેમણે કહ્યું હતું કે બોટમાં ક્ષમતા કરતાં વધારે વાહનો અને પ્રવાસી ભરાતાં આ  દુર્ઘટના સર્જાઈ હતી. આ સમયે દરિયામાં ઓટ હોવાથી પાણીના ફોર્સની પણ મદદ મળી ન હતી. 

બોલિંજ પોલીસ મથકના સિનિયર પીઆઈ પ્રકાશ કાવલેએ કહ્યું હતુંં કે બોટમાં ટેકનિકલ સમસ્યા  સર્જાઈ હતી. તેના કારણે બોટ ફસાઈ ગઈ હતી. ભરતી શરુ થયા બાદ બોટને જેટી પર લાંગરી મુસાફરોને સલામત રીતે ડી બોર્ડેડ કરવા પ્રયાસો હાથ ધરાયા હતા. આ બનાવમાં કોઈને ઈજા થઈ નથી. 

પાલઘર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા  વિવેકાનંદ કદમે રાતે જણાવ્યું હતું કે હાઈડ્રોલિક પ્લેટફોર્મની ખામી સુધારી લેવામાં આવી છે અને બોટ પરથી વાહનો પણ નીચે ઉતારી લેવાયાં છે.