મુંબઈ - વિરારમાં રમાબાઈ એપાર્ટમેન્ટ દુર્ઘટના પ્રકરણમાં ગુરુવારે મધ્યરાત્રિએ વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર ગિલસન ઘોંસલવિસની ક્રાઇમ બ્રાન્ચ-૩ ની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઘોંસલવિસ પર ઈમારત અનધિકૃત હોવા છતાં કાર્યવાહી ન કરવાનો અને જોખમકારક હોવા છતાં તેને ખાલી ન કરવાનો આરોપ છે. ૨૬ ઓગસ્ટના રોજ, વિરાર- ઈસ્ટમાં ચાર માળની રમાબાઈ એપાર્ટમેન્ટ ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ૧૭ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૯ લોકો જખમી થયા હતા. આ ઈમારતમાં અનધિકૃત અને જોખમકારક હતી. આ કેસમાં, વિરાર પોલીસે બિલ્ડર અને જમીનમાલિક વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને બિલ્ડર નીતલ સાનેની ધરપકડ કરી હતી. એ બાદમાં, કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ-૩ ને સોંપવામાં આવી હતી.
વર્ષ ૨૦૧૮ માં, ઈમારતમાં સ્ટ્રક્ચરલ ઓડિટમાં જાણવા મળ્યું કે ઈમારત અનધિકૃત હતું. જો કે, ભુતપૂર્વ આસિસ્ટન્ટ કમિશનર સુભાષ જાધવે સંબંધિત બિલ્ડર સાને વિરુદ્ધ કેસ ન નોંધતા ફક્ત નોટિસ જાહેર કરી હતી. ૨૦૨૫માં, વર્તમાન આસિસ્ટન્ટ કમિશનર ગિલસન ઘોંસાલ્વિસે પણ સ્ઇ્ઁછ હેઠળ બિલ્ડર સામે કાર્યવાહી કરી ન હતી. ઉપરાંત, જ્યારે ઇમારત જોખમી હતી, ત્યારે તેમણે તેને ખાલી ન કરાવ્યા વગર ફક્ત સમારકામની નોટિસ જાહેર કરી હતી. આ કારણે, આસિસ્ટન્ટ કમિશનર ગિલસન ઘોંસાલ્વિસ અને સુભાષ જાધવ બંને સામે કેસ નોંધાયા હતા. ગુરુવારે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસમાં ઘોંસાલ્વિસની ૧૨ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જો આસિસ્ટન્ટ કમિશનરે સમયસર કાર્યવાહી કરી હોત, તો આ અકસ્માત ન થયો હોત, એમ ક્રાઇમ બ્રાન્ચ ૩ ના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શાહુરાજ રણવરેએ જણાવ્યું હતું.


