થ્રી ઇડિયટ ફિલ્મ જેમ ગાયનેકને વિડીયો કોલ કરી રેલવે પ્લેટફોર્મ પર પ્રસૂતિ

- મુંબઈનો કેમેરામેન યુવક રિયલ લાઈફમાં રેન્ચો બન્યો
- ચાલુ લોકલે રાતે પોણા વાગ્યે મહિલાને પીડા ઉપડી યુવકે ચેઈન ખેંચી ટ્રેન રામ મંદિર સ્ટેશને અટકાવી
મુંબઇ : થ્રી ઇડિયટ્સ ફિલ્મમાં દર્શાવાયેલો પ્રસૂતિનો સીન બુધવારે મોડી રાતે મુંબઈના ગોરેગાંવ વિસ્તારના રામ મંદિર સ્ટેશને વાસ્તવિક બન્યો હતો. મોડી રાતે ચાલુ લોકલમાં એક મહિલાને અચાનક પ્રસૂતિ વેદના શરૂ થઇ અને તેને તત્કાળ મદદની જરૂર પડી ત્યારે ટ્રેનમાં પ્રવાસ કરતા એક યુવકે તેની ગાયનેક ફ્રેન્ડને વિડીયો કોલ કર્યો હતો. ગાયનેકે કોલ પર જ આપેલી એક પછી એક સૂચનાને અમલમાં મૂકતા જઈ તેણે હિંમતપૂર્વક મહિલાની ડિલિવરી કરી હતી. અંતે બધુ હેમખેમ પાર પડયું અને મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.
રાતે ૧૨.૪૦ વાગ્યાની આસપાસ એક ગર્ભવતી મહિલા ગોરેગાવ સ્ટેશેથી ચર્ચગેટની ટ્રેનમાં પ્રવાસ કરી રહી હતી. દરમિયાન તેને અચાનક પ્રસૂતિ પીડા ઉપડતા તેણે મદદ માટે પોકાર શરુ કર્યા હતા. મહિલાની ચીસો સાંભળીને બાજુના કોચમાં પ્રવાસ કરનાર યુવક વિકાસ દિલીપ બેદ્રેએ પરિસ્થિતિની ગંભીરતા પારખીને તરત જ ટ્રેનની એલાર્મ ચેઇન ખેંચી લીધી હતી અને ટ્રેન રામ મંદિર સ્ટેશને અટકી ગઇ હતી. તે સમયે મહિલાના ગર્ભનું બાળક અડધું બહાર આવી ગયું હતું. આવી નાજુક સ્થિતિમાં રામ મંદિર સ્ટેશને કોઇપણ મેડિકલ સુવિધા ઉપલબ્ધ ન હતી અને એમ્બ્યુલન્સને પહોંચવામાં પણ સમય લાગવાનો હોવાથી વિકાસે એક પણ ક્ષણ વેડફ્યા વિના તેની ગાયનેક ફ્રેન્ડ ડોં દેવિકા દેશમુખને ઘટના વિશે જાણ કરી અને ડોં. દેવિકાએ પણ ઈમરજન્સી હોવાનું પારખીને પોતાની ફરજ બજાવતા વીડિયો કોલ પર વિકાસને એક પછી એક સ્ટેપ પ્રમાણે ગાઈડન્સ આપવાનું શરુ કર્યું હતું.
વીડિયો કેમેરામેન તરીકે કામ કરતા વિકાસે ડોકટરની દરેક સૂચનાનું દક્ષતાથી પાલન કરીને મહિલાની ડિલિવરી પ્લેટફોર્મ પર કરી હતી. રાતે ૧.૩૦થી ૨.૦૦ વાગ્યાની આસપાસ ખાલીખમ સ્ટેશને નવજાતની કિલકારીઓ સંભળાઇ હતી. બાળકનો જન્મ સુરક્ષિતરીતે થયો તે જોઇને સ્ટેશને ઉપસ્થિત રેલવે કર્મચારીઓએ અને પ્રવાસીઓ નિશ્ચિંત થયા હતા.
સ્ટેશને બનેલી આ આખી ઘટના નજરે જોનારા એક પ્રવાસી મનજીત ધિલ્લોને તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે યુવકની બહાદુરી વર્ણવવા માટે શબ્દો ઓછા પડે છે. મહિલા જે સ્થિતિમાં હતી તેમાં તેને બચાવવા જાણે તે દેવદૂત બની આવ્યો હતો. યુવકે ડોક્ટરની સૂચનાઓ અનુસરીને પ્લેટફોર્મના ટી-સ્ટોલ પરથી બે કાતર અને ક્યાંકથી ચાદરો પ્રાપ્ત કરી હતી. બેદ્રેએ કહ્યું હતું કે આ સ્થિતિમાં હું ગભરાઇ ગયો હતો પણ દેવિકાએ આપેલી હિંમત અને માર્ગદર્શનથી મહિલાની પ્રસૂતિ કરી શક્યો હતો. દેવિકાએ ત્યારે ફ્લાઇટ પકડવાની હતી. તે સમયે પણ તે સતત ફોન પર મદદ કરી રહી હતી.
ધિલ્લોને શેર કરેલા વીડિયો પર પર લોકોએ વિવિધ પ્રતિક્રિયાઓ આપી હતી. વિકાસને રિયલ-લાઇફ રેન્ચો કહી તેની સમયસૂચકતા અને હિંમતને દાદ મળી હતી. સ્ટેશને ઉપસ્થિત અન્ય લોકોએ પણ મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘણા ડોક્ટરોને કોલ કરાયો હતો પણ એમ્બ્યુલન્સને આવવામાં વખત લાગે તેમ હતું. મહિલાના પરિવારજનોને તેને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા પણ તેની ડિલિવરી તે હોસ્પિટલમાં ન થઇ હોવાથી તેમણે મહિલાને હોસ્પિટલમાં લેવાનો ઇન્કાર કરતા તેઓ પાછા ટ્રેનમાં ફર્યા હતા.