ગણેશોત્સવ બાદ શાકભાજીના ભાવ ઝડપથી વધવા માંડયા

છેલ્લા પાંચ દિવસમાં કિંમતમાં લગભગ ૩૦ ટકાનો વધારો
મુંબઇ - ગણેશોત્સવ પૂરો થયા બાદ લીલા શાકભાજીની કિંમતમાં ઝડપથી વધારો થવા માંડયો છે. નવી મુંબઇની એ.પી.એમ.સી. (એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટિ)ની જથ્થાબંધ ભાજીપાલા માર્કેટમાં બહારગામથી શાકભાજીની આવક ઘટતા કિંમત વધવા માંડી છે.
છેલ્લાં પાંચેક દિવસમાં શાકભાજીની કિંમતમાં લગભગ ૩૦ ટકા વધી ગયા છે. માર્કેટના વેપારીઓના જણાવ્યા મુજબ ગણેશોત્સવ દરમ્યાન બહારગામથી શાકભાજીની ભરપૂર આવક થતી હતી એટલે ભાવ નીચા જળવાયા હતા. પણ ગણેશોત્સવ પૂરો થયા બાદ શાકભાજીની આવક ઘટતા ભાવ ઉંચે ચડવા માંડયા છે. હજી એકાદ મહિના સુધી ભાવ ઘટવાની શક્યતા બહું જ ઓછી છે.
એવું જાણવા મળ્યું હતું કે સામાન્ય રીતે ગણેશોત્સવમાં શાકભાજીની માંગ વધુ રહેતી હોય છે એટલે ખેડૂતોએ ખેતરો અને વાડીઓમાં ઉગાડેલા શાકભાજી મોટા પ્રમાણેમાં જુદી જુદી એપીએમસીમાં વેંચવા માટે મોકલ્યા હતા. ખેડૂતોનું માનવું હતું કે ગણેશોત્સવ પછી કિંમત ઘટી જશે એટલે ઉત્સવ દરમ્યાન જ શાકનું ભરપૂર વેંચાણ કરી નાખ્યું હતું. પરિણામે ઉત્સવ દરમ્યાન શાક સસ્તુ થયું હતું. પરંતુ ઉત્સવ પછી આવકમાં ઓટ આવતા કિંમત વધવા માંડી છે. હોલસેલ માર્કેટમાં વધેલા ભાવને લીધે રિટેલરો અનેક ગણો નફો ચડાવી શાકનું વેચાણ કરવા લાગ્યા છે. એટલે સામાન્ય લોકોનું કિચન બજેટ હચમચી ગયું છે.








