એપીએમસી વિસ્તારની હોટલમાં પોલીસનો દરોડો
સ્થાનિકો તરફથી અનેક ફરિયાદો બાદ પોલીસે નકલી ગ્રાહક મોકલ્યોઃ હોટલ મેનેજર, વેઈટર અને એજન્ટ મળી ત્રણની ધરપકડ
પોલીસને સ્થાનિકો તરફથી સતત ફરિયાદો મળ્યા બાદ અધિકારીઓએ વિગતોનું પુષ્ટિ કરવા માટે એક નકલી ગ્રાહક મોકલ્યો હતો. પોલીસની શંકા દૂર થયા બાદ ૨૦ નવેમ્બરના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળેથી પોલીસ અધિકારીઓએ બે મહિલાઓને શોધી કાઢી હતી. જેમને વેશ્યાવૃત્તિ માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેમને ઝડપથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા બાદ પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવી હતી જ્યાં તેમને સહાયતા અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આ કામગીરીનું નેતૃત્વ કરતા સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર પ્રવિણરાજ ઘોરપડેએ જણાવ્યું હતું કે તેમની ટીમે હોટલમાંથી ત્રણ લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલાઓમાં હોટલ મેનેજર, એક વેઈટર અને એક એજન્ટનો સમાવેશ થાય છે. જે મહિલાઓને આ ધંધામાં દબાણ કરવા માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. પીટીઆઈના અહેવાલ મુજબ કાયદા અમલીકરણ એજન્સીઓએ જણાવ્યું હતું કે નાણાકીય લાભ માટે આરોપીઓએ સાથે મળી આ સેક્સ રેકેટ ચલાવ્યું હતું અને આ જરૂરતમંદ મહિલાઓનો ફાયદો ઉઠાવ્યો હતો.
પોલીસે આરોપીઓ સામે અનૈતિક ટ્રાફિક (નિવારણ) અધિનિયમની લાગુ કલમો ઉપરાંત, ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૪૩ (૩) અને સમાન ઈરાદા માટે કલમ ૩ (૫) હેઠળ એફઆઈઆર નોંધી હતી. આ કેસમાં જે હોટલ માલિકનો ઉલ્લેખ છે તે હાલમાં ભાગી છૂટયો છે. આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ ભાગી છૂટેલા માલિકને શોધી રહ્યા છે અને તેને પકડી પાડવા વિશેષ પ્રયાસ હાથ ધર્યા છે.


