ધામણી ડેમ 75 ટકા ભરાઈ જતાં વસઈ વિરારનું પાણીનું સંકટ ટળ્યું
લગભગ એક વર્ષ ચાલે તેટલુું પાણી અત્યારે જ ભરાઈ ગયું
મુંબઈ - સૂર્યા પ્રોજેક્ટના ધામણી ડેમમાં જળસંગ્રહ વધીને ૭૫ ટકા થયો છે. આટલું પાણી વસઈ વિરારને આખું વર્ષ ચાલે તે માટે પૂરતું છે. આથી, વસઈ વિરારને આ વર્ષ પાણીનું સંકટ નહિ નડે તેવી આશા જાગી છે. વસઈ-વિરારને ત્રણ ડેમમાંથી પાણી પુરવઠો મળે છે, સૂર્યા (ધામણી), પેલ્હાર અને ઉસગાંવ. હાલમાં બે સૂર્યા પ્રોજેક્ટમાંથી વસઈ-વિરાકરને ૨૦૦ એમએલડી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, ગયા વર્ષથી એમએમઆરડીએના સૂર્યા પ્રોજેક્ટમાંથી વધારાનું ૧૫૦ એમએલડી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, ઉસગાંવમાંથી ૨૦ એમએલડી અને પેલ્હારમાંથી ૧૦ એમએલડી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, એટલે કે વસઈ-વિરારને હાલમાં કુલ ૩૮૦ એમએલડી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. મે મહિનામાં પાણીનું બાષ્પીભવન થવાને કારણે મ્યુનિસિપલ હદમાં આવેલા ઉસગાંવ અને પેલ્હાર ડેમમાં પાણીનું સ્તર ઘટયું હતું. જૂન મહિનાની શરૃઆતમાં પણ વરસાદના અભાવે પાણીનું સ્તર સતત ઘટતું રહ્યું હતું. ૧૭ જૂનના રોજ, ધામણી ડેમમાં પાણીનું સ્તર ૩૧ ટકા, ઉસગાંવ ડેમમાં ૧૩ ટકા અને પેલ્હાર ડેમમાં ૨૬ ટકા હતું. એવી આગાહી કરવામાં આવી હતી કે ગરમ સૂર્યપ્રકાશને કારણે બાષ્પીભવન, પાણીના લીકેજની સમસ્યા અને વધુ પડતા પાણી પુરવઠાને કારણે પાણીનું સ્તર ઘટશે, જેના પરિણામે વપરાશલાયક પાણી ઘટશે. તેના કારણે નાગરિકોની ચિંતા વધી હતી. જો કે, જૂન મહિનાના છેલ્લા ૧૦ દિવસથી વસઈ-વિરાર સહિત સમગ્ર પાલઘર જિલ્લામાં ભારે વરસાદને કારણે આ ડેમની સ્થિતિમાં સુધારો થયો છે. મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે, આના કારણે પેલ્હાર ડેમમાં પાણીનો સંગ્રહ બમણો થઈને ૮૫ ટકા અને ધામણી ડેમમાં પાણીનો સંગ્રહ બમણો થઈને ૭૫% થયો છે. જો કે, ઉસગાંવ ડેમ વિસ્તારમાં ઓછા વરસાદને કારણે, હાલમાં પાણીનો સંગ્રહ ૪૪.૪૨ ટકા છે. આનાથી વસઈ-વિરારના લોકોને થોડી રાહત મળી છે. વસઈ-વિરારને પાણી પૂરું પાડતા ડેમોમાં વિપુલ પ્રમાણમાં પાણી છે. ડેમ વિસ્તારમાં વરસાદને કારણે પરિસ્થિતિ સુધરી રહી છે. પાણીના નવા ોત પણ બનાવવામાં આવી રહ્યા છે, જેનાથી આગામી થોડા વર્ષોમાં પાણીની સમસ્યા દૂર થશે એમ વસઈ વિરાર મ્યુ. કોર્પોરેશનના કમિશનર અનિલ કુમાર પવારે જણાવ્યું હતું.
પર્યાપ્ત પાણી છતાં લાઈટના ધાંધિયાથી હેરાનગતિ
વસઈ-વિરારને પાણી પૂરું પાડતા ડેમોની સ્થિતિમાં સુધારો થયો હોવા છતાં, વસઈ-વિરારમાં અનિયમિત અને અપૂરતા પાણી પુરવઠાથી નાગરિકો હજુ પણ પરેશાન છે. આ સમસ્યા છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે અને વરસાદ પડે ત્યારે તે વધુ ખરાબ થઈ રહી છે. વરસાદને કારણે ડેમ પ્રોજેક્ટ વિસ્તારમાં વીજળી ગુલ થવાનો સિલસિલો ચાલુ જ છે. જેના કારણે પાણી પુરવઠામાં સમસ્યા નિર્માણ થાય છે.