Mumbai

માધુરી હાથણીને કોલ્હાપુર પાછી લાવવા સરકારની અરજીને વનતારાનું સમર્થન

By GS TEAM
7 Aug 20252 mins read
માધુરી હાથણીને કોલ્હાપુર પાછી લાવવા સરકારની અરજીને વનતારાનું સમર્થન

કોલ્હાપુરમાં જોરદાર વિરોધ જાગ્યા બાદ

મહારાષ્ટ્રના નાંદણી ગામે રેસ્ક્યૂ સેન્ટર રચવા માટે વનતારાની ટીમ તૈયાર ઃ સીએમ

મુંબઈ -  માધુરી (મહાદેવી) નામની હાથણીને જામનગર  સ્થિત વનતારા પ્રાણી પુનર્વસન કેન્દ્રમાંથી કોલ્હાપુર પાસેના મઠમાં પાછી લાવવા માટે મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીને વનતારાના સંચાલકો તરફથી સમર્થન આપવામાં આવ્યું છે, એમ મુખ્ય  પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.

કોલ્હાપુર નજીક નાંદણીમાં નાદુરસ્ત હાથણી માધુરી માટે એક રેસ્ક્યૂ સેન્ટર ઉભુ કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.

માધુરી હાથણીને પાછી લાવવા માટે લોકલાગણીનો જુવાળ  ઉઠયો છે તેના અનુસંધાનમાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે આજે 'વનતારા'ની ટીમ સાથે મેં વિગતવાર ચર્ચા કરી હતી. આ ચર્ચામાં માધુરીને સરળતાથી પાછી નાંદણીના મઠમાં લાવવામાં આવે એ માટે રાજ્ય સરકાર તરપથી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી પિટિશનની સાથે સહર્ષ જોડાવાની તૈયારી બતાવી હતી.

નાંદણીના શ્રી જીનસેન ભટ્ટારક પટ્ટાચાર્ય મહાસ્વામી જૈન મઠમાં ૩૬ વર્ષની હાથણી માધુરી છેલ્લા ત્રણ દાયકાથી રહે છે. કોર્ટના આદેશને પગલે ગયા અઠવાડિયે માધુરીને જામનગરના વનતારા પુનર્વસન કેન્દ્રમાં ખસેડવામાં આવી તેની સામે ભારે વિરોધ જાગ્યો હતો. રવિવારે કોલ્હાપુરમાં હાથણીને પાછી લાવવાની  માગણી સાથે હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા અને રેલી યોજી હતી. વનતારા તરફથી એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે અમે હાથણીના સ્થળાંતરની વિનંતી કરી જ નથી. અમે તો કોર્ટમાં નિર્દેશ અનુસાર સુવિધા પુરી પાડી છે.

મુખ્ય પ્રધાને સોશ્યલ  મિડિયામાં મૂકેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે વનતારાની ટીમ નાંદણીમાં જ હાથણી માટે પુનર્વર્સન કેન્દ્ર બાંધવા તૈયાર છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી ઉચ્ચ સ્તરની સમિતિની ભલામણ અનુસાર નાંદણીમાં પુનર્વસનની સુવિધા ઉભી કરવામાં આવશે. અમારા વચ્ચે આવવાથી જૈન સમુદાયની કે કોલ્હાપુરવાસીઓની લાગણી દુભાઈ હોય તો અમે માફી માગીએ છીએ, એમ વનતારાએ નિવેદનમાં જણાવ્યું હતું.