મુંબઈથી ૬૦૦ કિલો ચાંદી લઈ વાપી જતી વેનને અકસ્માત
અમદાવાદ
હાઈવે પર નધણિયાતી બનેલી કરોડોની ચાંદીની પાટ આઘીપાછી ન થાય તે માટે પોલીસની
વધારાની કૂમક ખડકી દેવાઈ
મુંબઈ -
મુંબઈથી આશરે ૧૭ કરોડ રુપિયાની ૬૦૦ કિલો ચાંદી લઈ વાપી જઈ
રહેલી વેનને શુક્રવારે સવારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાલઘરના ચારોટી નાકા પાસે
અકસ્માત થતાં બેનાં મોત નીપજ્યાં હતાં.
કરોડો રુપિયાની ચાંદીની પાટ ખુલ્લી થઈ જતાં તે નિહાળવા લોકો એકઠા થઈ ગયા હતા.
દરમિયાન, અકસ્માતગ્રસ્ત વાનમાં ચાંદીની પાટો હોવાનું જાણવા
મળતાં પોલીસ દોડતી થઈ હતી અને કોઈ ચાંદી
આઘીપાછી ન કરી જાય તે માટે બંદોબસ્ત ગોઠવી
દેવાયો હતો.
મુંબઈની
નાકોડા બુલિયનની વાન ચાંદી લઈ આજે સવારે
છથી સાડા છ વાગ્યાના અરસામાં વાપી જીઆઈડીસીમાં આવેલી મોદી સન્સ કંપનીમાં જઈ રહી
હતી. જોકે, ચારોટી ફ્લાયઓવર પાસે ડ્રાઈવરે કાબુ
ગુમાવ્યો હતો. જેના કારણે વેન ગુજરાત લેન પરના ડિવાઈડર સાથે અથડાઈ અને મુંબઈ
લેનમાં ઘૂસી ગઈ હતી. તે જ સમયે, વેન વિરુદ્ધ દિશામાંથી આવતા
ટ્રેલર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે વેનના ચાલક તથા સિક્યુરિટી
ગાર્ડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો
હતો. તેઓ કાસાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
દરમિયાન, મોટી માત્રામાં
ચાંદીની પાટ લઈ જઈ રહેલી વેનને અકસ્માત નડયાની માહિતી મળતાં પોલીસ દોડાદોડ
ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર જગ્યા કોર્ડન
કરી લેવાઈ હતી. પોલીસે ચાંદીનો તમામ જથ્થો
પોતાના હસ્તક લીધો હતો. જ્યારે અકસ્માતગ્રસ્ત વાનને ટોઈંગ કરી ખસેડવામાં આવી હતી.


