યુએસ વીઝા માટે અરજદારનાં છેલ્લાં 5 વર્ષનાં સોશિયલ મીડિયા ચકાસાશે
એકાઉન્ટસ છૂપાવનારાને વીઝા નકારવામાં આવી શકે
તમામ અરજદારોને પ્રાઈવસી સેટિંગ પબ્લિક જ રાખવાની એમ્બેસીની તાકીદ
મુંબઇ - યુએસ વીઝા માટે અરજી કરનારા તમામને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના પ્રાઈવસી સેટિંગ પબ્લિક કરી દેવા જણાવાયું છે. વીઝા આપવા કે નહિ તે નિર્ણય માટે આ અરજદારોની સોશિયલ મીડિયા પોસ્ટસની ચકાસણી થઈ શકે છે. અરજદારોએ છેલ્લાં પાંચ વર્ષનાં તમામ યૂઝર નેમની સાચી વિગતો જણાવવાની રહેેશે.
ે એફ, એમ અને જે નોન ઇમિગ્રન્ટ વીઝા માટે અરજી કરનાર દરકને તેમની ઓળખ તથા અમેરિકામાં પ્રવેશ યોગ્યતા ચકાસવા સોશિયલ મીડિયા પ્રોફાઈલ પબ્લિક કરી દેવા જણાવાયું છે.
અમેરિકાના રાજદૂતાવાસ દ્વારા એક્સ પર જણાવવામાં આવેલી માહિતી અનુસાર વીઝા અરજદારની ઓળખ કરવા તથા અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમકારક હોય તેમને યુએસમાં પ્રવેશવા ન દેવા માટે અરજદારની તમામ ઉપલબ્ધ વિગતોની ચકાસણી કરવામાં આવે છે. ૨૦૧૯થી યુએસના વીઝા મેળવવા માટે અરજી કરનારે અરજીમાં સોશ્યલ મિડિયાના યુઝરનેમ્સ અથવા હેન્ડલ્સની છેલ્લા પાંચ વર્ષની વિગતો ડીએસ-૧૬૦ ફોર્મમાં આપવી પડે છે.
અરજદારે પ્રમાણિત કરવાનું રહે છે કે તેમણે વીઝા અરજીમાં આપેલી વિગતો સાચી અને બરાબર છે. સોશ્યલ મિડિયાની વિગતો ન આપવાથી અરજદારને વીઝા આપવાનું નકારવામાં આવે તેમ બને તથા ભવિષ્યમાં વીઝા આપવામાં ન આવે તેમ પણ બની શકે છે.