વિજય દેવરકોંડાની કિંગડમ મુદ્દે બબાલ, થિયેટરો પર પોલીસ બંદોબસ્તનો આદેશ
શ્રીલંકન તમિલોનાં ચિત્રણ મુદ્દે ધમાલ થવાની આશંકા
સર્જકોને કૃતિ દર્શાવવાની સ્વતંત્રતાઃ સેન્સર સર્ટિ. મળ્યા પછી કોઈ માથું ન મારે, વિરોધ હોય તે ફિલ્મ ન જુએઃ હાઈકોર્ટ
મુંબઈ - સાઉથના સ્ટાર અને રશ્મિકા મંદાનાના બોયફ્રેન્ડ વિજય દેવરકોંડાની ફિલ્મ 'કિંગડમ' જે થિયેટરોમાં દર્શાવાતી હોય ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવાના આદેશ ચેન્નાઈ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. આ ફિલ્મમાં શ્રીલંકામાં વસતા તમિલોનાં ચિત્રણ બાબતે તમિલનાડુમાં ભારે ઉશ્કેરાટ પ્રવર્તી રહ્યો છે અને તેના કારણે તોફાનો થાય તેવી સંભાવના છે. તેને પગલે હાઈકોર્ટ દ્વારા આ આદેશ અપાયો છે.
આ ફિલ્મના તમિલનાડુના ડિસ્ટ્રિબ્યૂટરે પોલીસ રક્ષણની માાગણી સાથે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ ફિલ્મમાં વિજય દેવરકોંડા તેના ભાઈને બચાવવા માટે શ્રીલંકામાં એક ઓપરેશન હાથ ધરે છે તેવી વાર્તા છે. ફિલ્મમાં વિલનને મુરુગન નામ અપાયુું છે. નામ તામિલ કાત્ચી નામનાં સંગઠનનો આરોપ છે કે વિલનનું નામ મુુરુગન રાખીને આ ફિલ્મ દ્વારા શ્રીલંકામાં વસતા તમિલોને દુષ્ટ તરીકે દર્શાવાયા છે. આ સંગઠનના કાર્યકરો ઠેર ઠેર થિયેટરો પર દેખાવો કરી રહ્યા છે.
હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે એક લોકશાહી દેશમાં સર્જકોને તેમની કૃતિઓ દર્શાવવાની સ્વતંત્રતા છે. એકવાર સેન્સર બોર્ડ દ્વારા પ્રમાણપત્ર આપી દેવાયા પછી કોઈ ત્રાહિત પક્ષકાર તેમાં મનમાની કરી શકે નહિ. જેમને ફિલ્મ સામે વાંધો હોય તેઓ ફિલ્મ જોવાનું ટાળી શકે છે. દેખાવકારોને પૂર્વમંજૂરી મેળવીને જ અને તે પણ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાનો પણ હક્ક છે. વિરોધનો અધિકાર નકારી ન શકાય. આ સંજોગોમાં પોલીસને થિયેેટરો પર પોલીસ બંદોબસ્તનો આદેશ આપવામાં આવે છે.