પુણે એક્સપ્રેસ-વે પર અકસ્માતમાં યુપીની ઇન્ફ્લુએન્સર અસફિયા બાનુનું મોત

પનવેલ ખળસ્પે નાળાં પાસે એસયુવી પલ્ટી ખાઈ ગઈે
અન્ય ચાર ગંભીર રીતે ઘવાયા, - મૃતક અસફિયા ખાનના ઈન્સ્ટાગ્રામ પર દસ લાખથી વધુ ફોલોઅર્સ હતા
મુંબઇ - મુંબઇ-પુણે એક્સપ્રેસ-વે પર તેજ ગતિથી પસાર થઇ રહેલી એક એસયુવીના ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવતા થયેલા અકસ્માતમાં યુ.પી.ની પ્રખ્યાત ઇન્ફલુએન્સર અસફિયા બાનો ખાન (૩૨)નું મોત થયું હતું જ્યારે આ સમયે એસયુવીમાં સવાર અન્ય ચાર જણને ગંભીર ઇજા થતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના રવિવારે મોડી રાત્રે પનવેલ ખળસ્પે ફાટા પાસે બની હતી.
આ ઘટનામાં મોતને ભેટેલી અસફિયા બાનો ખાન ઇન્સ્ટાગ્રામ પર દસ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતી હતી ૧૫ દિવસો પહેલા તે મિત્રો સાથે ટોયોટા ક્રુઝર કારમાં મુંબઇ આવી હતી. આ જૂથ રવિવારે મુંબઇથી લોનાવલા જઇ રહ્યું હતું ત્યારે મોડી રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ પલસ્પે હાઇવે પોલીસ ચોકી પાસે ડ્રાઇવર નૂર આલમ ખાન (૩૪)એ ઝડપી ગતિએ દોડી રહેલ એસયુવી પરનો કાબૂ ગુમાવ્યો હતો. ત્યાર બાદ એસયુવી બેથી ત્રણ વાર પલ્ટી ખાઇને રસ્તા કિનારેના ક્રોંક્રિટ બ્લોક સાથે અથડાઇ હતી. ડ્રાઇવરની પાછળ બેઠેલા અસફિયા ખાનને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. જ્યારે તેના મિત્રો મોહમ્મદ અરબાઝ અહેમદ (૨૪), મોહમ્મદ આરીફ મોહમ્મદ આઝમ (૨૪) રિઝવાન ખાન (૨૬) ગંભીર ઘવાયા હતા આ તમામને તરત જ પનવેલ પાસેની કામોથેની એમજીએમ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં ખાનને મૃત ઘોષિત કરવામાં આવી હતી. આ સંદર્ભે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માત ડ્રાઇવરની બેદરકારી અને વધુ પડતી ઝડપે વાહન ચલાવવાને કારણે થયો હતો.
આ પ્રકરણે સંબંધિત ડ્રાઇવર સામે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે આ અકસ્માતમાં એસયુવીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો એરબેગ્સને કારણે અમૂક લોકોનો બચાવ થયો હતો. આ અકસ્માતમાં અસફિયા ખાનને માથામાં ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું તેવું એક અધિકારીએ જણાવ્યું હતું.








