Mumbai

14 દિવસ સુધી કેમ્પસમાં અજાણ્યા શખ્સનો નિવાસ

By GS TEAM
22 Jun 20252 mins read
14 દિવસ સુધી કેમ્પસમાં અજાણ્યા શખ્સનો નિવાસ

આઈઆઈટી બોમ્બેની આધાતજનક ઘટના

સિક્યુરિટીએ સંબંધિત આરોપીની અટકાયત કરી તેની તપાસ આદરી, શૈક્ષણિક સંસ્થાની સુરક્ષાનો પ્રશ્ન એરણે ચડયો

મુંબઈ -  ભારતની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંની એક આઈઆઈટી બોમ્બેમાંથી એક અજ્ઞાાત શખ્સની અટકાયત ૧૭ જૂનના રોજ કેમ્પસ સિક્યુરિટીએ કરી છે. આ વ્યક્તિ ૧૪ દિવસથી કેમ્પસમાં ગેરકાયદે રહેતી હોવાનું જણાયું હતું. કર્ણાટકના મંગળૂરના ૨૨ વર્ષીય બિલાલ અહમદ ફયાજ અહમદ તેલીની અટક કરી તેને પવઈ પોલીસ સ્ટેશનમાં સોંપાયો છે. 

આઈઆઈટી મુંબઈના સિક્યુરિટી વિભાગ દ્વારા દાખલ કરાયેલ એફઆઈઆર અનુસાર, ચોથી જૂનના રોજ સીઆરઈએસટી વિભાગના અધિકારી શિલ્પા કોટિક્કલે આઈઆઈટીના વિદ્યાર્થી ન જણાતાં એવા એક શખ્સ પાસે આઈડી માગતા તે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. જોકે બાદમાં તેની શોધ આદરવામાં આવી અને સિક્યુરિટી ક્વિક રિસ્પોન્સ ટીમે પણ પ્રયાસો હાથ ધર્યા પરંતુ તે મળ્યો નહીં. આખરે ૧૭ જૂનના સાંજે ચાર વાગ્યે એ લેક્ચર હૉલ ૧૦૧માં બેસેલો મળ્યો હતો. તે વિદ્યાર્થીઓ સાથે હળીમળીને રહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

તે ૨ થી ૭ અને ૧૦ થી ૧૭ જૂન દરમ્યાન અનેક વિદ્યાર્થી હૉસ્ટેલમાં રહ્યો હોવાની કબૂલાત પણ તેણે કરી હતી. આ કેમ્પસમાં આશરે ૧૩ હજાર ગ્રેજ્યુએશન, માસ્ટર્સ અને પીએચડીના વિદ્યાર્થીઓ રહે છે.ત્યારે આવી અજાણી વ્યક્તિનું કેમ્પસમાંથી મળી આવવું એ ચિંતાનો વિષય બને છે. આ બાબતે ગુપ્તચર વિભાગને પણ જાણ કરાઈ છે. આ આરોપી કોઈ પર નજર રાખી રહ્યો હતો કે અન્ય કોઈ ગુપ્તચર કાર્યવાહીમાં સહભાગી છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. વળી તે આટલા દિવસ ક્યાં રહ્યો તે પણ તપાસવામાં આવી રહ્યું છે.