બળદ ન પોસાતો હોવાથી વૃદ્ધ ખેડૂત જાતે હળ સાથે જોતરાયો, સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ
Mumabi Farmer News : પ્રગતિશીલ મહારાષ્ટ્રની હૈયુ હચમચાવી નાખે એવી હકીકત સામે આવી છે. લાતૂરના અત્યંત ગરીબ અને વયોવૃદ્ધ ખેડૂત પાસે બળદ ખરીદવાના પૈસા ન હોવાથી 65 વર્ષની ઉંમરે તેમણે હળ સાથે જાતને જોતરીને વૃદ્ધ પત્નીની મદદથી ખેતર ખેડવાની નોબત આવી હતી.
નોટ વરસાવી વોટનું રાજકારણ ખેલાય છે અને જાત જાતની યોજનાઓ પાછળ કરદાતાના અબજો રૂપિયા પાણીની જેમ વાપરવામાં આવે છે ત્યારે લાતૂર જિલ્લાના અહમદપુર તાલુકાના હાડોળતી ગામના 65 વર્ષના અંબાદાસ પવારને હળ સાથે જોતરાઇને ખેતી કરતા જોઇને કોઇએ મોબાઇલથી વીડિયો ઉતાર્યા પછી આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ભલભલાની આંખોમાં ઝળઝળીયા આવી ગયા હતા.
હાડોળતી ગામના અંબાદાસ પવાર પાસે અઢી એકરની જમીન છે દિકરીના લગ્ન થઇ ગયા છે, અને દીકરો પુણેમાં નાનું-મોટું છૂટક કામ કરીને ગુજારો કરે છે. આર્થિક સ્થિતિ નબળી હોવાથી ખેતર ખેડવા માટે બળદ ખરીદવાના પૈસા ક્યાંથી કાઢે ? એટલે અંબાદાસ પવારે અને તેમના વૃદ્ધ પત્ની શાંતાબાઇએ હળ સાથે જોતરાઇને ખેતર ખેડવાનું નક્કી કર્યું હતું. બળદની જગ્યાએ અંબાદાસ જોતરાયા હતા અને પાછળ તેમના પત્ની દાણા વેરતા પાછળ ચાલતા નજરે પડયા હતા.
લાતૂરના હળ સાથે જોતરાયેલા વયોવૃદ્ધ ખેડૂત અંબાદાસ પવાર અને હળ ચલાવતા તેમના પત્ની શાંતાબાઇની વીડિયો વાઇરલ થયો હતો. અંબાદાસ પવારે કહ્યું હતું કે બળદ ખરીદવાના કેે ટ્રેકટર ભાડે લેવાના પૈસા નથી એટલે છેલ્લા બે વર્ષથી આ રીતે અમે ખેતર ખેડીએ છીએ. મારા હાથ ધૂ્રજે છે, બોજ હેઠળ પગ લથડાય છે અને મારી ડોક તથા કમર માં ભારે પીડા થાય છે. પરંતુ, ,મને બળદ ભાડે લાવવાનું પણ પોસાય તેમ નથી. ટ્રેકટર ભાડે રાખવાનું તો સપને પપણ વિચારી શકું તેમ નથી. અધૂરામાં પૂરૂં બિયારણ અને ખાતરના ભાવ વધી ગયા છે. એમાં પાછળ કાંઇ બચતું જ નથી. આમ છતાં કુટુંબનું પેટ પાળવા માટે દેવું કરીનેય ગાડું ગબડાવવું પડે છે. મારા માથે 40 હજારનું દેવું છે, સરકાર કર્જ માફ કરે અને સહાય કરે એવી અમે અપીલ કરીએ છીએ. બાકી તો અત્યાર સુધી સરકારે રાતી પાઇ જેટલીય મદદ નથી કરી.
તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર અનેક લોકોએ શેર કર્યો હતો. લોકોયે કહ્યું હતું કે એક પ્રાણીની જગ્યાએ માણસ જાતે હળ ચલાવવા જોતરાય છે એ બહુ મોટી શરમ છે. સરકારે આ ખેડૂતને કોઈ રીતે મદદ કરવી જોઈએ.
વિધાનસભામાં ઉહાપોહ
ખેડૂત અંબાદાસ પવારપની આ અવદશાનો પડઘો આજે વિધાનસભામાં પણ પડયો હતો. વિપક્ષોએ આજે ખેડૂતોના પ્રશ્ને ધમાલ મચાવી હતી. તેમાં આ ખેડૂતના વિડીયોનો પણ ઉલ્લેખ કરાયો હતો. વિપક્ષી સભ્યોએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોના કલ્યાણની મોટી મોટી વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા આ છે. આ ઉહાપોહ બાદ તંત્રવાહકો પણ દોડતા થયા હતા. હવે ખેડૂતને સરકાર તરફથી મદદ કરવામાં આવે એવી શક્યતા છે.