- મુંબઈની તાજ હોટેલમાં બીજેપીના નેતાઓ મીઠાઈ વહેંચતા અને નારાઓ લગાવતા જોવા મળી રહ્યા છે
મુંબઈ, તા. 30 જૂન 2022, ગુરૂવાર
મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. શિવસેનાના નેતા એકનાથ શિંદેના બળવાખોર વલણના કારણે ગઈકાલે ઉદ્ધવ ઠાકરેને સીએમ પદ ઉપરથી રાજીનામુ આપવું પડ્યું છે. હવે શિંદે ટીમ આગળ શું પગલું ભરશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલમાં બીજેપી તરફથી સરકાર બનાવવાનો દાવો નહીં રજૂ કરવામાં આવે. આગામી ત્રણ દિવસમાં સરકાર રચવાનો દાવો રજૂ કરીને શપથ ગ્રહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી શકે છે.
આ દરમિયાન ભારતીય જતના પાર્ટીના મુખ્ય મથક ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. મુંબઈની તાજ હોટેલમાં બીજેપીના નેતાઓ મીઠાઈ વહેંચતા અને નારાઓ લગાવતા જોવા મળી રહ્યા છે.
આ સમગ્ર ઘટનાક્રમ સાથે જોડાયેલી મહત્વની જાણકારીઓ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટ પહેલા જ રાજીનામુ આપવાની જાહેરાત કરી હતી. તે સમયે બધાની નજરો બીજેપી અને બળવાખોરોના વલણ ઉપર ટકેલી હતી. શિંદે ગૃપના પ્રવક્તા દિપક કેસરકર તરફથી પહેલી પ્રતિક્રિયા આવી હતી. તેમણે જણાવ્યુ હતું કે, સીએમ ઉદ્ધવ ઠાકરેનું રાજીનામુ અમારા માટે કોઈ આનંદની વાત નથી. અમને બધાને દુઃખ થાય છે કે NCP અને કોંગ્રેસ સામે લડતી વખતે અમારે અમારા નેતાથી પણ નારાજ થવુ પડ્યું છે જેનું કારણ NCP અને સંજય રાઉત છે. તેમનું રોજનું કામ કેન્દ્ર સરકારની વિરૂદ્ધ નિવેદન આપવું અને કેન્દ્ર તથા રાજ્ય વચ્ચેનો સંપર્ક બગાડવાનું છે.
વધુ વાંચોઃ શિંદે જૂથના પ્રવક્તાએ કહ્યું- ઠાકરેના રાજીનામાથી આનંદ નથી થયો પરંતુ સંજય રાઉત અને....
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ ઉપરથી ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ શિવસેનાના સાંસદ સંજય રાઉતે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્રે આજ એક સંવેદનશીલ મુખ્યમંત્રી ગુમાવ્યા છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, 'આ શિવસેનાના ભવ્ય વિજયની શરૂઆત છે. અમે દંડા ખાઈશું, જેલમાં પણ જઈશું પરંતુ બાળાસાહેબની વિચારધારાને જીવંત રાખીશું.'
આ અગાઉ ઉદ્ધવ ઠાકરેએ રાજીનામુ આપતી વખતે કહ્યું હતું કે, તેમને નંબર ગેમની લડાઈમાં નથી પડવું. તેમણે ફેસબુક લાઈવના માધ્યમથી પોતાનું સંબોધન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમે ખેડૂતોના ઋણને માફ કરવાનું કામ કર્યું હતું. અમે ઉસ્માનાબાદનું નામ ધારાશિવ અને ઔરંગાબાદનું નામ સંભાજીનગર કરી દીધું છે. તેમણે શરદ પવાર અને સોનિયા ગાંધીનું નામ લઈને આભાર વ્યક્ત કર્યો હતો.
વધુ વાંચોઃ મહારાષ્ટ્રની રાજરમત: ફ્લોર ટેસ્ટ પૂર્વે જ ઉદ્ધવનું મુખ્યમંત્રી પદેથી રાજીનામુ
ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ બીજેપીએ ઉજવણી શરૂ કરી દીધી છે. મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી પદના ઉમેદવાર એવા દેવેન્દ્ર ફડણવીસને બીજેપીના નેતાઓએ મીઠાઈ ખવડાવી હતી.
બીજેપીના મહારાષ્ટ્ર વિભાગના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ગત બુધવારની રાતે જણાવ્યું હતું કે, તેમની પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે હવે આગળની રણનીતિ નક્કી કરશે. રાજ્યના ભાજપના એકમે પોતાના બધા ધારાસભ્યોને એકઠા થવાનું કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકારને 30 જૂનના રોજ ફ્લોર ટેસ્ટ કરાવવા માટેના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના આદેશ ઉપર સ્ટે માટે સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો હતો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ફ્લોર ટેસ્ટનું પરિણામ 11 જુલાઈની સુનાવણી પ્રમાણે થશે.


