Get The App

રાજ ઠાકરે માટે કોંગ્રેસનો સાથ છોડશે ઉદ્ધવ ઠાકરે? સંજય રાઉતે કહ્યું- અલગ ગઠબંધન પણ થઈ શકે

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
Uddhav Thackeray Raj Thackeray


તસવીર : IANS

Uddhav & Raj Thackeray Reunite After 20 Years : આજે 20 વર્ષ બાદ મહારાષ્ટ્રના બે મોટા નેતા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ફરી એક મંચ પર જોવા મળ્યા. મરાઠી ભાષા અંગે ચાલી રહેલા વિવાદમાં બંને ભાઈઓએ ભાજપ સરકાર સામે બાંયો ચડાવી છે. એવામાં હવે એવી પણ શક્યતા છે કે મુંબઈમાં સ્થાનિક ચૂંટણી માટે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના-યુબિટી વચ્ચે ગઠબંધન થાય. જો આ બે પક્ષનું ગઠબંધન થાય તો ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ અને શરદ પવારનો સાથ છોડે તેવી પણ શક્યતા છે. 

અલગ ગઠબંધન થઈ શકે છે: સંજય રાઉત

ઉદ્ધવ ઠાકરે જૂથના મોટા નેતા તથા સાંસદ સંજય રાઉતે આ મામલે કહ્યું છે, કે 'જનતા જ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેને સાથે લઈને આવી છે. ગઠબંધનમાં ચૂંટણી લડવા અંગે ભવિષ્યમાં વાતચીત કરીશું. અત્યારે અમે I.N.D.I.A. ગઠબંધનનો હિસ્સો છીએ પરંતુ સ્થાનિક ચૂંટણી અલગ હોય છે. સ્થાનિક ચૂંટણી અલગ રીતે લડવી પડે છે, અલગ ગઠબંધન પણ થઈ શકે છે.'

ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે આવ્યા તો NDAને જ ફાયદો: રામદાસ આઠવલે

બીજી તરફ કેન્દ્રીય મંત્રી અને NDA નેતા રામદાસ આઠવલેએ પણ ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે, કે 'જોઈએ છીએ બંને ભાઈઓ કેટલા દિવસ સાથે રહે છે. અસલી શિવસેના એકનાથ શિંદે પાસે છે અને તેમની પાસે 40 ધારાસભ્યો છે. રાજ ઠાકરે પાસે કોઈ ધારાસભ્ય નથી. જો આ બંને ભાઈઓ સાથે ચૂંટણી લડશે તો ઉદ્ધવ ઠાકરએ મહાવિકાસ આઘાડી(ઇન્ડિયા ગઠબંધન)માંથી બહાર આવવું પડશે.' આમ NDA નેતાનો દાવો છે કે આ બંને ભાઈઓ એક થવાથી કોંગ્રેસના ગઠબંધનને ફટકો પડશે. 

ગુજરાતી છે એવું માથે થોડું લખ્યું છે, કોઈ નાટક કરશે તો કાનની નીચે મારીશું: રાજ ઠાકરે

મુંબઈમાં મરાઠી ન આવડતી હોય તેવા લોકો પર હુમલા વધી રહ્યા છે એવામાં આજે વર્ષો બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર આવ્યા હતા. પોતાના સંબોધનમાં રાજ ઠાકરેએ ધમકી આપતાં કહ્યું હતું કે કોઈ નાટક કરશે તો અમે થપ્પડ મારીશું જ. રાજ ઠાકરેએ કહ્યું, કે 'તમારી પાસે વિધાનસભામાં સત્તા હશે, અમારી પાસે રસ્તા પર સત્તા છે. જે બાળાસાહેબ ન કરી શક્યા એ ફડણવીસે કરી બતાવ્યું, અમને બે ભાઈઓને એક કર્યા. અમે 125 વર્ષ સુધી મરાઠાઓએ રાજ કર્યું, અમે કોઈના પર મરાઠી થોપવાનો પ્રયાસ નથી કર્યો. મીરા રોડ પર એક શખસે ગુજરાતીને થપ્પડ મારી, પણ શું કોઈના માથે લખ્યું છે કે તે ગુજરાતી છે? હજુ તો અમે કશું કર્યું પણ નથી! કારણ વગર મારામારીની જરૂર નથી પણ કોઈ નાટક કરશે તો કાનની નીચે બજાવવી જ પડશે. હવે ધ્યાન રાખજો, આવું કશું કરો ને ત્યારે વીડિયો ન બનાવતા, સમજી ગયા ને? આ લોકો મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગે છે.'

મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાત મોકલી દેવાયા, હા અમે ગુંડા જ છીએ: ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં કહ્યું, કે 'અમે બે ભાઈઓ સાથે રહેવા માટે જ આજે એક થયા છીએ. ફડણવીસ કહે છે કે ગુંડાગીરી સાંખી નહીં લેવાય. પણ જો પોતાની ભાષા માટે લડવું એ ગુંડાગીરી છે, તો હા અમે ગુંડા છીએ. અમને હિન્દુ અને હિન્દુસ્તાન મંજૂર છે પણ હિન્દી નહીં. હિન્દી થોપવાનો પ્રયાસ સાંખી નહીં લેવાય. તમારી સાત પેઢી ખતમ થઈ જશે પણ અમે આવું થવા નહીં દઈએ. એક ગદ્દાર ગઈકાલે બોલ્યો કે 'જય ગુજરાત'. મહારાષ્ટ્ર આવતા તમામ ઉદ્યોગ ધંધા ગુજરાત મોકલી દેવાયા. આ લોકોએ ગુજરાતમાં પટેલોને ભડકાવ્યા તેમને હાંસિયે ધકેલ્યા અને સત્તા પ્રાપ્ત કરી. મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ એવું જ કર્યું.'


Tags :