તોફાને ચડેલા દરિયામાં બે માછીમાર નૌકા ડૂબી

400 ફિશિંગ બોટ કિનારે લાવવામાં આવી
12 ખલાસીઆ પરત ઃતોફાનમાં ફસાયેલી કોલાબા અને વસઇની બે નૌકા પાછી આવી
મુંબઇ - છેલ્લાં ત્રણ દિવસથી દરિયો તોફાને ચડતા મધદરિયે માછલી પકડવા ગયેલી ઉરણ બાજુની બે માછીમાર નૌકા ડૂબી ગઇ હતી. સદ્ભાગ્યે બીજી બોટ તત્કાળ મદદે પહોંચી ગઇ હતી અને ૧૨ ખલાસીઓને હેમખેમ ઉગારી લેવામાં આવ્યા હતા. બે બોટ ડૂબતા માછીમારોને લાખો રૃપિયાનું નુકસાન થયું છે.
ઉરણ, મોરા, કરંજા બંદરે જોખમસૂચક વાવટા ફરકાવવામાં આવતા લગભગ ૩૫૦થી ૪૦૦ બોટ કિનારે પાછી લાવવામાં આવી હતી. જોરદાર ફૂંકાતા પવનને કારણે આ બધી નૌકા મજબૂત દોરડાથી એકમેક સાથે બાંધી દેવામાં આવી છે.
કરંજા મચ્છીમાર સંસ્થાના અધ્યક્ષ પ્રદીપ નાખવાએ જણાવ્યું હતું કે છેલ્લા બે મહિના દરમિયાન ખરાબ હવામાનને કારણે ૯મી વખત મચ્છીમારી બંધ રાખવી પડી છે. આને લીધે માછીમારોએ લાખોની નુકસાની વેઠવી પડી છે.
દરમ્યાન દરિયાઇ તોફાનમાં ફસાયેલી કોલાબા અને વસઇની બે માછીમાર નૌકા સલામત પાછી ફરી હતી એવું જાણવા મળ્યું હતું.








