Mumbai

નાસિકમાં રખડતા શ્વાનોએ હુમલો કરતા અઢી વર્ષીય બાળકનું મોત

By GS TEAM
30 Nov 20251 min read
નાસિકમાં રખડતા શ્વાનોએ  હુમલો કરતા અઢી વર્ષીય બાળકનું મોત

બાળક શેરીમાં રમી રહ્યો હતો તે સમયે ઘટના બની

શ્વાનોના હુમલામાં વધારો છતાં પાલિકા કોઈ પગલાં ન લેતા લોકોમાં રોષ ફેલાયો

મુંબઈ -  રાજ્યભરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે નાસિકના માલેગાંવમાં રખડતા કૂતરાએ કરડયા બાદ અઢી વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. વધુમાં આ મામલાને અવગણના બદલ નાગરિકોએ પાલિકાની ટીકા કરી હતી.

આ ઘટનામાં અઢી વર્ષીય બાળક શાહબાઝનું મોત નીપજ્યું હતું.  ઘટના મુજબ, શુક્રવારે સવારે બાળક રમવા માટે ઘરની બહાર ગયો હતો. તે સમયે શેરીમાં ભેગા થયેલા રખડતા શ્વાનોના ટોળાએ તેના પર હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ઘાતક હતો કે બાળકને ગંભીર ઈજાઓ થઈ હતી.

દરમિયાન બાળક જોર જોરથી ચીસો પાડતા બૂમો સાંભળીને મદદ માટે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને કૂતરાઓને ભગાડવામાં આવ્યા હતા. ત્યારબાદ બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ ઘટના બાદ સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. માલેગાંવમાં રખડતા કૂતરાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી હોવાથી હુમલાની ઘટનાઓમાં પણ વધારો થઈ છે. જો કે, પાલિકા કૂતરાઓને કાબુમાં લેવા માટે કોઈ પગલાં લઈ રહ્યું ન હોવાથી લોકોએ પાલિકાની કામગીરી પર ટીકા કરી હતી.