Get The App

વિદેશમાં પાયલોટ ટ્રેનિંગના નામે અઢી કરોડ રુપિયા લઈ ઉચાપત

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
વિદેશમાં પાયલોટ ટ્રેનિંગના નામે અઢી કરોડ રુપિયા લઈ ઉચાપત 1 - image

યુવતીઓ પાસેથી પૈસા લીધા વિદેશી કંપનીને ન ચૂકવ્યા

યુવતીએ ટ્રેનિંગ છોડી અધવચ્ચે ભારત પરત આવવું પડયું : ખારઘરની  એવિએશન એકેડમી સામે ગુનો

મુંબઈ: નવી મુંબઈમાં ખારઘરમાં  ક્રિસ્ટલ પ્લાઝા બિલ્ડિંગમાં આવેલી એસએફએ એન્ડ એટીપી  એવિએશન એકેડેમી વિરુદ્ધ પાંચ મહત્વાકાંક્ષી મહિલા પાયલોટને વિદેશમાં પાયલોટની ટ્રેનિંગ આપવાનું વચન આપીને ૨.૩૯ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ કરવામાં આવ્યો છે. આ પાયલોટ વિદેશ ગયા બાદ એવિએશન એકેડેમી ફી જમા કરાવવામાં નિષ્ફળ જતા આ પાયલોટ્સની ટ્રેનિંગ અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવી હતી.

આ બાબતે પ્રાપ્ત વિગતાનુસાર મહિલાઓએ ફરિયાદ કરી હતી કે સંપૂર્ણ ટ્રેનિંગની રકમ ચૂકવવા છતા એકેડેમી વિદેશી ઉડ્ડયન સંસ્થામાં સંપૂર્ણ ફી જમા કરાવવામાં નિષ્ફળ ગઈ હતી. જેના પરિણામે તેમની પાયલોટ તાલીમ અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવી હતી. પરિણામે આ તમામ ઉમેદવારોને ભારત પાછા ફરવાની ફરજ પડી હતી. જેના કારણે આ મહિલા ઉમેદવારોએ ખારઘર પોલીસ મથકમાં કેસ નોંધાવ્યો હતો. આ કેસમાં ંમૂળ ફરિયાદી યુવતીના પિતા ખુદ એર ઈન્ડિયામાંથી નિવૃત્ત થયા છે. દીકરીને પાયલટ બનાવવા માટે તેમણે મોટી રકમનું રોકાણ કર્યું હતું. 

પોલીસના જણાવ્યા અનુસાર ૨૦૨૪માં મુંબઈ અને નવી મુંબઈની પાંચ મહિલાઓએ ખારઘરની એસએફએ એન્ડ એટીપી ઉડ્ડયન તાલીમ સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હતો. આરોપીઓએ તેમને કથિત રીતે યુએઈમાં પાયલોટ તાલીમ આપવાનું વચન આપ્યું હતું અને પાંચેય ઉમેદવારો પાસેથી મળીને ૨.૩૯ કરોડ રૂપિયાની ફી વસૂલી હતી. ત્યારબાદ મહિલાઓને તાલીમ માટે યુએઈની એક વિદેશી ઉડ્ડયન એકેડેમીમાં મોકલવામાં આવી હતી. જો કે ખારઘર સ્થિત એકેડેમી તરફથી વિદેશી એકેડેમીને સંપૂર્ણ તાલીમ ફી ન મળતાં તેમની તાલીમ અચાનક બંધ કરી દેવામાં આવી હતી. એકેડેમી તરફથી કોઈ પૂર્વ સૂચના અને સંતોષકારક સમજૂતી ન થતા મહિલાઓને તેમની અધૂરી તાલીમ બંધ કરી ભારત પાછા ફરવાની ફરજ પડી હતી.

આ ઘટના બાદ જ્યારે પીડિતાઓ પાછળથી ખારઘર સ્થિત સંસ્થાનો સંપર્ક સાધીને પૈસા પાછા મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે  તેમણે આરોપ લગાવ્યો હતો કે એકેડેમીના સંચાલક પંકજ ક્રષ્ણને તેમને  પૈસા પાછા આપવાનો ઈનકાર કર્યો હતો અને તેમને ધમકાવ્યા હતા. આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદીઓએ આરોપ કર્યો હતો કે આરોપીઓએ વિદેશમાં પાયલોટ તાલીમ આપવાના બહાને ફરિયાદીઓ પાસેથી પૈસા વસૂલ્યા હતા. પરંતુ વિદેશી એકેડેમીને સંપૂર્ણ ફી ચૂકવવામાં નિષ્ફળ ગયા હતા. જેના કારણે તેમની ટ્રેનિંગ અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવી હતી.

આ બાબતે સંચાલક  પંકજ ક્રષ્ણન તથા મહિલા કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.