Mumbai

નીટ પરીક્ષામાં છેતરપિંડી કરવાના કેસમાં બે આરોપીની ધરપકડ

By GS TEAM
15 Jun 20252 mins read
નીટ પરીક્ષામાં છેતરપિંડી કરવાના કેસમાં બે આરોપીની ધરપકડ

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને

પરીક્ષામાં સારા માર્ક્સનું વચન આપીને વિદ્યાર્થી પાસેથી પૈસા પડાવતા

મુંબઈ: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ નીટ પરીક્ષામાં સારા માર્ક્સનું વચન આપીને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરતી ગેંગના બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએએ)ના અધિકારીઓ સામે સંબંધિત હોવાનો દાવો કરીને વિદ્યાર્થી તેના વાલીઓને જાળમાં ફસાવતા હતા. આ પ્રકરણની સીબીઆઈ વધુ તપાસ કરી રહી છે.

આરોપી સ ંદીપ (સોલાપુર) અને સલીમ (નવી મુંબઈ)ની મુંબઈ અને સાંગલીથી ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓએ અધિકારીઓની મદદથી ઘણા વિદ્યાર્થીઓને તેમના માર્ક્સ વધારવાની લાલચ આપી હતી. આરોપીઓએ મોટી રકમ લીધી હતી. તેમણે વાલીઓને પ્રભાવિત કરવા માટે પરેલ વિસ્તારની એક ફાઈવસ્ટાર હોટેલમાં મળતા હતા.

આરોપી સંદીપે દરેક વિદ્યાર્થી પાસેથી રૂા.૯૦ લાખની માંગણી કરી હતી. જો કે ચર્ચા બાદ રૂા.૮૭.૫૦ લાખ સ્વીકારવા સંમત થયા હતા. આરોપીએ ખાતરી આપી હતી કે પરિણામ જાહેર થવાના છ કલાક પહેલા તેમને માર્ક્સ વધારવાની વિશે માહિતી મળશે.

આ વ્યવહારમાં સંદીપ નિયમિતપણે નવીમુંબઈની એક એજ્યુકેશન કન્સલ્ટન્સી ફર્મના સંચાલક સલીમના સંપર્કમાં હતો.

સીબીઆઈના જણાવ્યા મુજબ પુણેની બીજી કન્સલ્ટન્સી ફર્મ સાથે પણ સંબંધ હતા. આરોપીઓના મોબાઈલ ફોનની ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારે સંભવિત ઉમેદવારોની યાદી, તેમના રોલ નંબર, પ્રવેશ કાર્ડ, ઓએમઆર શીટ તેમજ હવાલા ચેનલ દ્વારા કરાયેલા નાણાંકીય વ્યવહારોના પુરાવા મળી આવ્યા હતા.

આરોપીઓ કોર્ટમાં હાજર કરાતા ૧૬ જૂન સુધીની સીબીઆઈ કસ્ટડી આપવામાં આવી હતી.

સીબીઆઈએ આ કેસમાં કેન્દ્રીય અધિકારીઓની સંડોવણીની પણ તપાસ કરી હતી. પરંતુ અત્યાર સુધી કોઈ સરકારી અધિકારી કે એનટીએ કર્મચારી સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું નથી. છેતરપિંડીનો ભોગ  બનેલા વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાની શોધખોળ કરવામાં આવી રહી છે.