ફેસબુક પર વૉશિંગ મશીન વેચવા જતાં ટીવી અભિનેત્રી સાથે ઠગાઈ

5000 ને બદલે 50 હજાર મોકલ્યાનું જણાવી 45 હજાર પડાવ્યા
ઘરગથ્થુ ઇલેકટ્રોનિક્સ વસ્તુ ખરીદવાને બહાને સાયબર ઠગે પૈસા પડાવ્યા
મુંબઇ - સાયબર છેતરપિંડીના એક ચોંકાવનારા કેસમાં ટેલિવિઝન અને ફિલ્મની અભિનેત્રી ગાર્ગી મૌશિક પટેલ ઓનલાઇન કૌભાંડનો ભોગ બની છે. ફેસબુક પર વૉશિંગ મશીન વેચવા જતા એકટ્રેસે રૃા.૪૫ હજાર ગુમાવ્યા હતા. સાયબર ઠગે વપરાયેલી ઘરગથ્થુ ઇલેક્ટ્રોનિકસ વસ્તુ ખરીદવાને બહાને પૈસા પડાવ્યા હતા.
આ ઘટના વરલી વિસ્તારમાં બની હતી. અભિનેત્રીની ફરિયાદના આધારે વરલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરૃદ્ધ છેતરપિંડીનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ એપ્રિલ ૨૦૨૫માં અભિનેત્રીએ તેના ફેસબુક એકાઉન્ટ પર વોશિંગ મશીન વેચવા માટે એક જાહેરાત પોસ્ટ કરી હતી. આ પોસ્ટ પછી ઘણા લોકોએ તેનો સંપર્ક કર્યો હતો અભિનેત્રીએ કેટલાક લોકોને તેનો મોબાઇલ નંબર આપ્યો હતો.
૧૮ એપ્રિલના આરોપીએ વોશિંગ મશીન ખરીદવામાં રસ દાખવ્યો હતો. તેમે ૨૪ એપ્રિલના ફરી ફોન કરી દાવો કર્યો કે તે સેકન્ડ હેન્ડ ઇલેકટ્રોનિક વસ્તુઓનો વ્યાવસાય કરે છે. આરોપીએ પૂછ્યું કે શું તેની પાસે વેચાણ માટે અન્ય જૂની વસ્તુઓ છે. પછી અભિનેત્રીએ તેને ઓડિયો રીસીવર, એમ્પ્લીફાયર અને ડીશવોશરના ફોટા પણ મોકલ્યા હતા.અભિનેત્રીએ બધી વસ્તુઓની કિંમત રૃા.૪૦ હજાર જણાવી હતી.આરોપી તે બધી વસ્તુઓ ખરીદવા માટે સંમત થયો હતો. અભિનેત્રીએ તેના બેન્ક ખાતાની વિગતોે શેર કરી હતી.
તેણે અભિનેત્રીને રૃા.૩૫ હજાર ટ્રાન્સફર કર્યા અને ખાતરી આપી કે બાકી રૃા.પાંચ હજાર ટૂંક સમયમાં આપશે. અભિનેત્રીને રકમ ટ્રાન્સફરનો મેસેજ પણ મળ્યો હતો.
જોકે થોડી જ વારમાં આરોપીએ ફરીથી અભિનેત્રીને ફોન કર્યો અને દાવો કર્યો કે તેમે ભૂલથી પાંચ હજારને બદલે રૃા.૫૦ હજાર ટ્રાન્સફર કરી દીધા હતા. તેમે રૃા.૪૫ હજાર પરત કરવાની વિનંતી કરી હતી. તેના પર વિશ્વાસ કરીને અભિનેત્રીએ પોતાના અને પતિના ખાતામાંથી આરોપીને ૪૫ હજાર મોકલ્યા હતા.
બીજી તરફ અભિનેત્રીને કોઇ રકમ મળી જ નહોતી. આમ તેની સામે રૃા.૪૫ હજારની છેતરપિંડી કરવામાં આવી હતી.
આરોપીએ ટ્રાન્ઝેકશન પછી અભિનેત્રીના ફોન ટાળવાનું શરૃ કર્યું અને રકમ પરત કરતો નહોતો. આ અભિનેત્રીને ખ્યાલ આવ્યો કે તેની સાથે છેતરપિંડી થઇ છે. આ બનાવ બાદ તેણે વરલી પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.









