પ્રખ્યાત સંકુલમાં અનેક ઘરોના કામ સંભાળતી
પીડિતાએ જાતીય તરફેણનો ઈનકાર કરતાં ગુનો આચર્યો
મુંબઈ - મીરા રોડમાં બનેલી હત્યાની ઘટનાના સંદર્ભમાં ૪૨ વર્ષીય ટીવી કલાકારની ધરપકડ કરવામાં આવી છે.એક પ્રખ્યાત રહેણાંક સંકુલમાં એક ફ્લેટની અંદર ૪૦ વર્ષીય ગૃહિણીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હતી. મીડિયા અહેવાલો અનુસાર આરોપીની ઓળખ આશિષ મેશ્રામ તરીકે થઈ છે, તે પીડિતા પાસેથી જાતીય તરફેણ માંગી રહ્યો હતો.
પીડિતા ચંદેશ એકોર્ડ રહેણાંક સંકુલમાં ઘણા પરિવારો માટે ઘરની સંભાળ રાખતી હતી. આ હુમલો એક ફ્લેટમાં થયો હતો જ્યાં મેશ્રામ તેના ભાઈ સાથે રહેતો હતો. અહેવાલો દર્શાવે છે કે મેશ્રામ પીડિતા પર શારીરિક સંબંધમાટે દબાણ કરી રહ્યો હતો, જોકે, તેણીએ તેની માંગણીઓને સ્પષ્ટપણે નકારી કાઢી અને તે ચોક્કસ ઘરમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું.
આરોપીના ભાઈએ બાદમા પીડિતાને કામ પર પાછા ફરવા વિનંતી કરી, અને ખાતરી આપી કે મેશ્રામ હવે ત્યાં રહેતો નથી. આ વાત માનીને,પીડિતા બુધવારે સાંજે ફ્લેટમાં પાછી ફરી, જ્યાં મેશ્રામ તેના પર વારંવાર છરી વડે હુમલો કર્યો હતો. અહેવાલ મુજબ, આરોપીએ અગાઉ જાન્યુઆરીમાં પીડિતાના પુત્રને ધમકી આપી હતી કે જો તે તેના માટે કામ કરવાનું બંધ કરશે અથવા તેની માંગણીઓ સ્વીકારશે નહીં તો તે તેની માતાને મારી નાખશે.
પોલીસ અહેવાલો અનુસાર, હુમલાખોરે હિંસક હુમલો કર્યો હતો, જેમાં પીડિતાના પેટમાં બે વાર, છાતીમાં એક વાર અને ગળામાં એક વાર છરીના ઘા માર્યા હતા. ગુરુકૃપા હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવા છતાં, તેણીની ઈજાઓ ગંભીર હોવાથી, ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.


