Mumbai

ટીવી એક્ટર અનુજ સચદેવા પર સોસાયટીના પાર્કિંગ વિવાદમાં હુમલો

By GS TEAM
17 Dec 20252 mins read
ટીવી એક્ટર અનુજ સચદેવા પર સોસાયટીના પાર્કિંગ વિવાદમાં હુમલો

ખોટી રીતે પાર્ક કરેલી કાર સામે વાંધો લેતાં લાકડીથી હુમલો

અનુજને માથામાં ઈજા થતાં તેની  મિત્રએ મદદ માટે બૂમો પાડી ઃ બાંગુર નગર પોલીસ મથકે ફરિયાદ દાખલ

મુંબઈ,  'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' અને 'સાથ નિભાના સાથિયા' સિરિયલથી જાણીતા ટીવી અભિનેતા અનુજ સચદેવા પર મુંબઈમાં તેની હાઉસિંગ સોસાયટીમાં થયેલા પાર્કિંગ વિવાદમાં તેના એક પાડોશીએ તેના લાકડીથી હુમલો કર્યો હતો. અભિનેતાએ સ્વયં આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ ઘટનામાં તેને માથામાં ઈજા થઈ હતી. આ ઘટના બાદ અનુજે બાંગુર નગર પોલીસ મથકમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.

આ બાબતે નોંધાયેલી એફઆઈઆર મુજબ રવિવારે રાત્રે અનુજ તેની સોસાયટીના પાર્કિંગ વિસ્તારમાં રાત્રિ ભોજન પછી તેના કૂતરાને ફરવા લઈ ગયો હતો. તેણે તેના વાહન પાર્કિંગ માટે અનામત રાખેલી જગ્યા પર એક કારને ખોટી રીતે પાર્ક કરેલી જોઈ હતી. આ ઘટના બાદ તેણે આ કારનો ફોટો પાડી સોસાયટીના વોટ્સએપ ગુ્રપ પર શેર કરી આ કારના માલિક વિશે પૂછપરછ કરી હતી. થોડા સમયપછી એક માણસ તેની પાસે આવ્યો હતો અને તેણે કારનો માલિક હોવાનો દાવો કર્યો હતો. આ વ્યક્તિએ કારને ત્યાંથી હટાવવાનો પણ ઈનકાર કર્યો હતો. આ વાતે બન્ને વચ્ચે વિવાદ વકર્યો હતો.

આ દરમિયાન અનુજનો કૂતરો તે માણસ પર ભસવા લાગ્યો જેનાથી તે વધુ ઉશ્કેરાઈ ગયો હતો. ઉશ્કેરાયેલા માણસે ગુસ્સામાં આવી અપશબ્દો કહ્યા હતા અને વોચમેનની લાકડી ઉપાડી અનુજના માથા, પીઠ અને જમણા પગ હુમલો કર્યો હતો. અનુજની સ્ત્રી મિત્ર તેની સાથે હતી તેણે તરત મદદ માટે બૂમો પાડતા સોસાયટીના વોચમેન દોડી આવ્યા હતા અને આ વ્યક્તિ પાસેથી લાકડી ખેંચી લીધી હતી.

આ ઘટના બાદ અનુજે બાંગુર નગર પોલીસ મથકમાં આ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી અને ઈન્ટાગ્રામ પર આ સમગ્ર ઘટનાનો વીડિયો પર શેર કર્યો હતો. અનુજ પર હુમલો કરનાર વ્યક્તિને પ્રદીપ સિંહ તરીકે ઓળખી કાઢવામાં આવી હતી.

બાંગુર નગર પોલીસે આ મામલે સિંહ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૮ (૨) અને ૩૫૧ (૩) હેઠળ હથિયારથી ઈજા પહોંચાવા અને ગુનાહિત ધાકધમકી આપવા બદલ એફઆઈઆર નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.