સંભાજી ભિડે સામે હવે તુષાર ગાંધીની પણ પોલીસ ફરિયાદ
મહાત્મા ગાંધી વિશે બેફામ નિવેદનો કર્યાં હતાં
પગલાં લેવાના સરકારના આશ્વાસનો વચ્ચે ભિડે સામે વધુને વધુ એફઆઈઆર
મુંબઈ : મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગુરુવારે પુણેમાં હિન્દુત્વ નેતા સંભાજી ભીડે સામે રાષ્ટ્રપિતા વિરુદ્ધ તેમની કથિત અપમાનજનક ટિપ્પણી બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ભીડે તેમના અનુયાયીઓ વચ્ચે 'ભીડે ગુરુજી' તરીકે જાણીતા છે.ભીડે પર જુલાઈના છેલ્લા સપ્તાહમાં અમરાવતી જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન તેમના ભાષણમાં મહાત્મા ગાંધીના વંશ વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે.
તેમની ટિપ્પણી બાદ શ્રી શિવ પ્રતિાન હિન્દુસ્તાન સંગઠનના સ્થાપક ભીડે વિરુદ્ધ અમરાવતી અને નાશિકમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.
તુષાર ગાંધીએ ગુરુવારે પુણેના ડેક્કન જીમખાના પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ભીડે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમણે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૯,૧૫૩ (એ),૫૦૫ હેઠળ કેસ નોંધવાની માંગ કરી હતી.
પત્રકારો સાથે વાત કરતા ગાંધીએ કહ્યું, ભીડેએ માત્ર બાપુ વિરુદ્ધ જ અપમાનજનક નિવેદન આપ્યું નથી, પરંતુ તેમના પરિવાર વિરુદ્ધ પણ અપમાનજનક ટિપ્પણી કરી છે.
રાજ્યના ગૃહમંત્રીએ કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી,એવો તેમણે આક્ષેપ કર્યો હતો.
ગાંધીના જણાવ્યા અનુસાર, તેઓએ ભિડે વિરુદ્ધ આઈપીસીની કલમો હેઠળ કાર્યવાહીની માંગ કરી છે અને તેમની વિરુદ્ધ ફરિયાદ અરજી દાખલ કરી છે.
ડેક્કન પોલીસ સ્ટેશનના એક વરિ અધિકારીએ જણાવ્યું હતું કે, અમને ગાંધી તરફથી ફરિયાદની અરજી મળી છે અને અમે તેની તપાસ કરી રહ્યા છીએ.
ભૂતકાળમાં પણ વિવાદાસ્પદ ટિપ્પણીઓ માટે ભીડેની ટીકા થઈ છે.
૭ ઓગસ્ટના રોજ નવી મુંબઈ પોલીસે ગૌતમ બુદ્ધ અને સમાજ સુધારકો મહાત્મા જ્યોતિબા ફૂલે અને પેરિયાર નાઈકર વિરુદ્ધ તેમની કથિત અપમાનજનક ટિપ્પણી માટે ફરિયાદ બાદ સંભાજી ભીડે વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી.