તુળજાભવાની નવરાત્રોત્સવને મુખ્ય રાજ્ય મહોત્સવનો દરજ્જો
ડ્રોન દ્વારા ઝાકઝમાળભર્યો શો ૩૦૦
નવરાત્રિમાં દેશભરમાંથી ૫૦ લાખ ભાવિકો તુળજાપુર માતાજીના દર્શને આવે છે
મુંબઇ - તુળજાભવાની દેવી શારદીપ નવરાત્રોત્સવને મહારાષ્ટ્ર સરકારે રાજ્યના મુખ્ય મહોત્સવનો દરજ્જો આપ્યો છે.
તુળજાપુર સ્થિત તુળજાભવાની માતા મંદિરમાં ૨૨મી સપ્ટેમ્બરથી બીજી ઓકટોબર સુધી ધામધૂમથી નવરાત્રોત્સવ ઉજવાશે. આ મહોત્સવ દરમ્યાન સ્થાનિક લોકકલા, ગોધળી ગીત, ભારૃડ, જાખડી મૃત્ય રજૂ કરવામાં આવશે. ભજન-કિર્તનની સ્પર્ધા તેમજ ધાર્મિક -સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
આ નવરાત્રિમાં પહેલી જ વાર ૩૦૦ ડ્રોનની મદદથી આકાશમાં ઝાકઝમાળ ભર્યો લાઇટશો યોજવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરના અને સ્થાનિક લોકકલાકારો દ્વારા વિવિધરંગી કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. મહારાષ્ટ્રના પર્યટન વિભાગની અધિકૃત વેબસાઇટ અને યૂ-ટ્યુબ ચેનલ પર આ બધા જ કાર્યક્રમોનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે.
નવરાત્રિમાં મહારાષ્ટ્રના ખૂણે ખૂણેથી તેમજ ગુજરાત, કર્ણાટક, તેલંગણા સહિત દેશભરમાંથી ૫૦ લાખથી વધુ ભાવિકો તુળજાભવાની માતાના દર્શને આવે છે.