આરોપીને ગુપ્ત દસ્તાવેજ અપાવાનો આદેશ હાઇકોર્ટે ફગાવ્યો
દિલ્હી એરપોર્ટ બહારથી નહી ંપણ સાઉદી અરેબિયામાં ધરપકડ થયાનો આરોપીનો દાવો હતો
મુંબઈ - 26/11 ના આતંકવાદી હુમલાના કથિત માસ્ટરમાઇન્ડ અબુ જુંદાલ સામેના કેસમાં અટકેલી ટ્રાયલ સાત વર્ષ પછી ફરી શરૃ થવાની તૈયારીમાં છે. બોમ્બે હાઈકોર્ટ સોમવારે આરોપીઓને ગુપ્ત દસ્તાવેજો સોંપવાનો અધિકારીઓને નિર્દેશ આપતા નીચલી અદાલતના આદેશને રદ કરતાં જુંદાલ સામે ટ્રાયલનો માર્ગ મોકળો થયો છે. ૨૬/૧૧
જસ્ટિસ આર.એન. લદ્દાની બેન્ચે દિલ્હી પોલીસ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને વિદેશ મંત્રાલય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને મંજૂરી આપી હતી, જેમાં જુંદાલને ગુપ્ત દસ્તાવેજો સોંપવાના ટ્રાયલ કોર્ટના ૨૦૧૮ના આદેશને પડકારવામાં આવ્યો હતો.
આ અરજી પેન્ડિંગ હોવાથી, નવેમ્બર ૨૦૦૮માં મુંબઈ પર થયેલા હુમલાના માસ્ટરમાઇન્ડ અને હેન્ડલર ઝબીઉદ્દીન અંસારી ઉર્ફે અબુ જુંદાલ સામેની ટ્રાયલ ૨૦૧૮ થી મુલતવી રાખવામાં આવી હતી.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દાવો કર્યોે હતો કે લશ્કર-એ-તૈયબા (એલઈટી)ના આ આતંકવાદીને રાષ્ટ્રીય રાજધાનીના એરપોર્ટની બહારથી પકડવામાં આવ્યો હતો, જ્યારે આરોપીએ આગ્રહ કર્યો હતો કે તેને સાઉદી અરેબિયામાં ધરપકડ કરવામાં આવી હતી અને પછી તેને ભારત મોકલી દેવામાં આવ્યો હતો.
તેમણે મુંબઈની એક ખાસ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરીને પોતાના દાવાને સાબિત કરવા માટે ચોક્કસ દસ્તાવેજો માંગ્યા હતા. ૨૦૧૮ માં ટ્રાયલ કોર્ટે અધિકારીઓને જુંદાલ દ્વારા માંગવામાં આવેલા દસ્તાવેજો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ટ્રાયલ કોર્ટના આદેશને રદ કરવાની માંગ કરી હતી, અને દલીલ કરી હતી કે તે કાયદાની દ્રષ્ટિએ ખરાબ છે. સોમવારે હાઈકોર્ટે અરજી મંજૂર કરી અને ખાસ કોર્ટના આદેશને રદ કર્યો હતો.
૨૬ નવેમ્બર, ૨૦૦૮ની રાત્રે અરબી સમુદ્ર મારફતે મુંબઈમાંં પ્રવેશ્યા પછી ભારે હથિયારોથી સજ્જ દસ પાકિસ્તાની આતંકવાદીઓએ સમગ્ર મુંબઈમાં ઘાતક હુમલાઓ કર્યા હતા, જેમાં વિદેશીઓ સહિત ૧૬૬ લોકો માર્યા ગયા હતા.
તપાસકર્તાઓના મતે, જુંદાલે આતંકવાદીઓના હેન્ડલર તરીકે મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમાંથી એક, અજમલ કસાબ જીવતો પકડાયો હતો.
કસાબને ૨૦૧૦ માં એક ખાસ અદાલતે દોષિત ઠેરવ્યો હતો અને મૃત્યુદંડની સજા ફટકારી હતી. નવેમ્બર ૨૦૧૨ માં તેને પુણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી.


