Get The App

ટ્રેન ફાયરિંગ કેસમાં ચેતનસિંહને ફરી મેન્ટલ હોસ્પિટલમાં ખસેડવા આદેશ

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રેન ફાયરિંગ કેસમાં ચેતનસિંહને ફરી મેન્ટલ હોસ્પિટલમાં ખસેડવા આદેશ 1 - image

ચાલુ ટ્રેનમાં ગોળીબાર કરતાં ચારનાં મોત થયાં હતાં 

ચેતનની જામીન અરજી સંદર્ભમાં આદેશઃ માનસિક સ્થિતિ ટ્રાયલ ચલાવવા યોગ્ય છે કે કેમક તેનો અભિપ્રાય આપવાનો  નિર્દેશ

મુંબઈ, -  ૨૦૨૩માં ચાલુ ટ્રેને આડેધડ ફાયરિંગ કરી પ્રવાસીઓ સહિત ચારની હત્યા કરનારા આરોપી આરપીએફના તત્કાલીન કોન્સ્ટેબલ ચેતનસિંહ  ચૌધરીને ફરી થાણે માનસિક આરોગ્યની હોસ્પિટલમાં ખસેડી તેની માનસિક સ્થિતિ તેની સામે ટ્રાયલ ચલાવવાને યોગ્ય છે કે કેમ તેનો અભિપ્રાય મેળવવાનો આદેશ જેલ સત્તાવાળાઓને  સ્થાનિક અદાલત દ્વારા આપવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, ચૌધરીને અગાઉ ૨૦ ફેબુ્રઆરી, ૨૦૨૫ અને ૧૨ જુલાઈ, ૨૦૨૫ વચ્ચે થાણેની પ્રાદેશિક માનસિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.આ વર્ષે જાન્યુઆરીમાં થાણે જેલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા તેમના મેડિકલ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ગયા વર્ષે ૧૮ ડિસેમ્બરે હાથ ધરવામાં આવેલી તપાસમાં ચૌધરીની સ્થિતિ હેમોડાયનેમિકલી સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.

રિપોર્ટમાં જણાવાયું હતું કે બ્લડ પ્રેશર સહિત શારીરિક મહત્વપૂર્ણ પરિબળો સામાન્ય શ્રેણીમાં હતા, અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં તાત્કાલિક કોઈ અસામાન્યતા જોવા મળી ન હતી.

એડિશનલ સેશન્સ જજ (દિંડોશી કોર્ટ) પ્રવીણ ચતુરે આ નવો નિર્દેશ આરોપી દ્વારા માનસિક સ્વાસ્થ્ય સ્થિતિનો હવાલો આપીને દાખલ કરાયેલી જામીન અરજીના પગલે આપ્યો હતો. વકીલ દ્વારા આરોપીએ પોતાની જામીન અરજીમાં દાવો કર્યો હતો કે તે શ્વેત દ્રવ્ય રોગથી પીડિત છે.

જ્યારે તેમની જામીન અરજીનો હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી, ત્યારે બુધવારે કોર્ટે જેલ અધિક્ષકને આદેશ આપ્યો કે તેઓ ચૌધરીને વધુ સારા સંચાલન, સંભાળ અને સારવાર માટે થાણે મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરે અને આગળના આદેશ સુધી સારવાર માટે મોકલે.કોર્ટે થાણે મેન્ટલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરને આરોપીની સારવાર અને માનસિક સ્વાસ્થ્ય અંગે દર ૧૫ દિવસે સમયાંતરે અહેવાલો રજૂ કરવા જણાવ્યું હતું.તેમાં તે ટ્રાયલનો સામનો કરવા માટે યોગ્ય છે કે અયોગ્ય છે અને પોતાનો બચાવ કરવા સક્ષમ છે કે નહીં તે અંગે ચોક્કસ અભિપ્રાય માંગવામાં આવ્યો હતો.

આ કેસમાં ટ્રાયલ સાક્ષીઓની જુબાની નોંધવાના તબક્કામાં છે.

ચૌધરી પર ૩૧ જુલાઈ, ૨૦૨૩ ના રોજ મહારાષ્ટ્રના પાલઘર રેલ્વે સ્ટેશન નજીક જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં સવાર તેમના વરિષ્ઠ સાથીદાર, રેલ્વે પ્રોટેક્શન ફોર્સના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર ટીકા રામ મીણા અને ત્રણ મુસાફરોની ગોળી મારીને હત્યા કરવાનો આરોપ છે.મીરા રોડ સ્ટેશન નજીક ઉભી રહેલી ટ્રેનની ચેઇન ખેંચીને મુસાફરો ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે ચૌધરી તેના હથિયાર સાથે ઝડપાઈ ગયો હતો.