Mumbai

ટ્રેન બ્લાસ્ટના સૂત્રધાર આઝમ ચીમાનું પાકિસ્તાનમાં 1 વર્ષ પહેલાં મોત

By GS TEAM
22 Jul 20252 mins read
ટ્રેન બ્લાસ્ટના સૂત્રધાર આઝમ ચીમાનું  પાકિસ્તાનમાં 1 વર્ષ પહેલાં મોત

એટીએસ ક્યારેય આઝમ ચીમાની ભૂમિકા પ્રસ્થાપિત જ ન કરી શકી

લશ્કર એ તૈયબાના ઈન્ટેલિજન્સ ચીફ ચીમાનો ચાર્જશીટમાં  ઉલ્લેખ હતો  ઃ  ૨૬/૧૧ના હુમલામાં પણ સંડોવણી

મુંબઇ -  પાકિસ્તાન સ્થિત આતંકી આઝમ ચીમા ઉર્ફે બાબાજીએ ૧૧ જુલાઇ ૨૦૦૬ના મુંબઇ ટ્રેન આતંકી હુમલાનું કાવતરું ઘડવામાં આયોજન, સંકલન અને તેને પાર પાડવાની મહત્વની ભૂમિકા ભજવી હતી પણ એન્ટી ટેરરિઝમ સ્કવોડ-એટીએસ બાબાજી અને તેમણે ભજવેલી ભૂમિકા વચ્ચે કડી સ્થાપવામાંં નિષ્ફળ ગયું હતું. મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગનાઇઝડ ક્રાઇમ એક્ટ-મકોકા હેઠળ સ્થાપવામાં આવેલી વિશેષ અદાલત સમક્ષ મુંબઇ પોલીસની એન્ટી ટેરરિઝમ સ્કવોડે નોંધાવેલી ચાર્જશીટમાં જે પંદર આરોપીઓના નામ જણાવવામાં આવ્યા હતા તેમાં ચીમાનું નામ પણ હતું. ચીમાનું ૭૦ વર્ષની વયે ૨૮ ફેબુ્રઆરી ૨૦૨૪માં મોત થઇ ગયું હતું. ચીમા બહાવલપુરમાં લશ્કર-એ-તૈયબાના ઇન્ટેલિજન્સ ચીફ તરીકે કામ કરતો હતો. 

ચીમાએ સેવન ઇલેવનના ટ્રેન બ્લાસ્ટ  પૂર્વે ૨૬ ઇલેવનના ફિદાયીન હુમલામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ચીમા ૨૦૦૮થી તેનું ૨૦૨૪માં મોત થયું ત્યાં સુધી તે એલઇટી ઓપરેશન્સનો સલાહકાર રહ્યો હતો. 

બોમ્બે  હાઇકોર્ટે આ કેસમાં બાર આરોપીઓને છોડી મુકતાં જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષે પાકિસ્તાનીઓની સાથે સંપર્કમાં રહેલાં આઝમ ચીમા તથા તેના સાથીદારોના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી. આમ છતાં બચાવ પક્ષે સીડીઆર રજૂ કરી હોવા છતાં ફરિયાદ પક્ષ આરોપીઓ અને આઝમ ચીમા અને તેના સાથીદારો સહિતના પાકિસ્તાની નાગરિકો સાથે કોઇ કડી હોવાનું સ્થાપિત  કરવામા નિષ્ફળ ગયો છે. 

એ  નોંધનીય છે કે  અમેરિકન સરકારના દસ્તાવેજોમાં પણ ચીમાનો ઉલ્લેખ કરી જણાવવામાં આવ્યું હતું કે ચીમા એલઇટીના સર્વેલિયન્સ કે ઇન્ટેલિજન્સ વિભાગનો વડો હતો અને એલઇટીની ટ્રેનિંગની પ્રવૃત્તિઓમાં તેમાં પણ ખાસ કરીને બોમ્બ બનાવવાની અને ભારતમાં ઘૂસણખોરી કરવા જરૃરી કૌશલ્ય પુરૃ પાડવામાં સંડોવાયેલો હતો. મુંબઇ પોલીસના જણાવ્યા અનુસાર ચીમા ઓસામા બિન લાદેન સહિત અલ કાયદાના ટોચના નેતાઓને જાણતો હતો અને પાકિસ્તાની આઇએસઆઇના મૃત વડા હમીદ ગુલની પણ નજીક હતો. ચીમા અફઘાન યુદ્ધનો અનુભવી અને ભારતના નકશા ઉકેલવામાં હોંશિયાર હતો અને તે આતંકીઓને તાલીમ આપવા માટે જાણીતો હતો.