ટ્રાફિક પોલીસે સીટ બેલ્ટ બંધાવ્યાની 15 જ મિનીટમાં અકસ્માતમાં દંપતીનો બચાવ
ગોરેગામના દંપતી માટે ટ્રાફિક પોલીસ દેવદૂત સમાન સાબિત થયો
બાંદરાથી નીકળ્યા બાદ અંધેરી ફલાયઓવર પર ગાડી ડિવાઈડર સાથે અથડાઈ બે વાર પલ્ટી ખાઈ ગઈઃ સીટ બેલ્ટના કારણે ઉગરી ગયાં
મુંબઈ - ગોરેગામના એક યુગલ માટે એક ટ્રાફિક પોલીસ દેવદૂત સમાન સાબિત થયો હતો. 'ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધો, નહીંતર અકસ્માત થઈ શકે છે.'. તેવી ટ્રાફિક પોલીસે સલાહ આપ્યાના માત્ર ૧૫ મિનિટમાં જ યુગલને અકસ્માત નડયો હતો. જોકે, સીટ બેલ્ટના કારણે તેમનો બચાવ થયો હતો.
ગોરેગાંવમાં રહેતા ૪૪ વર્ષના ગૌતમ રોહરા અને તેમની ૪૨ વર્ષની પત્ની છાયા રોહરા એક ખાનગી કંપનીમાં એક્ઝિક્યુવ તરીકે કામ કરે છે. શનિવારે તેઓ દેવનારથી ગોરેગામ પાછા ફરી રહ્યા હતા.છાયા રોહરાએ પોતાનો સીટ બેલ્ટ બાંધ્યો ન હતો. તે સમયે ભારે વરસાદ પડી રહ્યો હતો. સાંજે ૪ વાગ્યાની આસપાસ, ૩૫ વર્ષના ટ્રાફિક પોલીસ પ્રવીણ ક્ષીરસાગરે ે બાંદરાના કલાનગર ખાતે તેમને રોક્યા હતા. સીટ બેલ્ટ નહિ પહેરવા બદલ ે એક હજારનો દંડ થઈ શકે છે તેમ જણાવ્યું હતું. શિક્ષિત દંપતી દંડ ભરવા સંમત થયું હતું. જોકે, પ્રવીણ ક્ષીરસાગરે રોહરા દંપતીને દંડ ફટકાર્યા વિના સીટ બેલ્ટનું મહત્વ સમજાવ્યું હતું. સીટ બેલ્ટ વાહનમાં ડ્રાઇવર અને મુસાફરોની સલામતી માટે છે એમ સમજાવ્યા બાદ રોહરાની પત્નીએ પોતાનો સીટ બેલ્ટ બાંધ્યો અને પોલીસનો આભાર માન્યો અને આગળ વધ્યા હતા.
જોકે, ફક્ત ૧૫ મિનીટમાં તેમની અંધેરી ફ્લાયઓવર પરથી ઉતરતાની સાથે જ ડિવાઇડર સાથે અથડાઈ હતી અને બે વાર પલ્ટી ખાઈ ગઈ હતી. જોકે, રોહરા દંપતી અકસ્માતમાં ચમત્કારિક રીતે બચી ગયું. ગૌતમ રોહરાને સામાન્ય ઈજા થઈ હતી. તેમની પત્ની છાયાને પણ કોઈ ઈજા થઈ ન હતી. તે સમયે ત્યાં હાજર એક પોલીસકર્મીએ રોહરા દંપતીને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ મોકલી દીધા હતા. પોલીસકર્મીએ રોહરા દંપતીનો સામાન, મોબાઈલ ફોન અને કારમાં રહેલી અન્ય કિંમતી વસ્તુઓ પોતાની કસ્ટડીમાં લીધી હતી.
દંપતીએ ટ્રાફિક પોલીસને શોધી આભાર માન્યો
ટ્રાફિક પોલીસ કર્મી પ્રવીણ ક્ષીરસાગરની સમયસર ચેતવણીના કારણે બચાવ થતાં રોહરા દંપતી તેમને શોધવા માટે બીકેસી ટ્રાફિક પોલીસ ચોકી સુધી પહોંચ્યું હતું અને કહ્યું હતું કે તમે અમારા માટે દેવદૂત સાબિત થયા છો. અમે જીવનપર્યંત તમારું ઋણ નહિ ભૂલીએ. બીકેસી ટ્રાફિક પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ શિંદેએ જણાવ્યું હતું કે, ક્ષીરસાગરન ઉચ્ચ અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવશે.