Get The App

ટાવર ચોકમાં પાણીની લાઈનમાં ભંગાણ રીપેરીંગ માટે રસ્તો તોડાતા ટ્રાફિકજામ

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
ટાવર ચોકમાં પાણીની લાઈનમાં ભંગાણ  રીપેરીંગ માટે રસ્તો તોડાતા ટ્રાફિકજામ 1 - image

વારંવાર પાણી કાપથી નવી પાઇપલાઇન નાખવા માંગ

સૌની યોજના હેઠળની લાઈનો વારંવાર તૂટતા શહેરીજનોને ચાર-ચાર દિવસ પાણીનું વિતરણ કરાતા ઉનાળામાં હાલાકી

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગરના મુખ્ય એવા ટાવરચોક વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈનમાં મસમોટું ભંગાણ સર્જાતા લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, હજુ હમણાં જ બનેલા નવા રોડને તોડીને પાઈપલાઈન રિપેર કરવાની તંત્રને ફરજ પડી છે.

શહેરમાં ૫૦ કરોડથી વધુના ખર્ચે સૌની યોજના અંતર્ગત નવી લાઈનો નાખવામાં આવી છે, પરંતુ અધિકારીઓએ પોતે જ સ્વીકાર્યું છે કે આ કામગીરી નબળી કક્ષાની હોવાથી વારંવાર પાઈપલાઈન ફાટી જવાના કિસ્સા બની રહ્યા છે. આ ખોદકામને લીધે રસ્તાનો એક સાઈડનો ભાગ બંધ કરાતા વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયા હતા.

પાઈપલાઈન તૂટવાને કારણે શહેરમાં પાણી કાપની સમસ્યા વિકટ બની છે. સુરેન્દ્રનગરની જનતાને ચાર-ચાર દિવસ સુધી પીવાનું પાણી ન મળતા રોષ જોવા મળી રહ્યો છે. વારંવારના રિપેરિંગને કારણે નવા બનેલા કરોડોના રસ્તાઓ પણ બિસ્માર બની રહ્યા છે. એક તરફ પાણીનો વેડફાટ અને બીજી તરફ જનતાની હાલાકીને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ટકાવ અને નવી પાઈપલાઈન નાખવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.