Get The App

કસ્ટમ દ્વારા જપ્ત સોનું સસ્તામાં આપવાની ખાતરી આપી વેપારી સાથે 3 કરોડની ઠગાઈ

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
કસ્ટમ દ્વારા જપ્ત સોનું સસ્તામાં આપવાની ખાતરી  આપી વેપારી સાથે 3  કરોડની ઠગાઈ 1 - image

તત્કાલિન મુખ્ય પ્રધાન શિંદેની ઓફિસમાં અધિકારી તરીકે ઓળખ આપી

પૈસા અને દાગીના પાછા માગતા ડીઆરઆઇમાં ફરિયાદ નોંધાવી વેપારીને દોઢ મહિના જેલમાં બેસાડયા

મુંબઇ  - તત્કાલિન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની  ઓફિસમાં (સીએમઓ) અધિકારી હોવાનું જણાવી એક વ્યક્તિએ તેના સાથીદારોની મદદથી ઝવેરી બજારના એક વેપારી સાથે ત્રણ કરોડ રૃપિયાની છેતરપિંડી આચરી હતી. શિંદે મુખ્ય પ્રધાન હતા ત્યારે આરોપી વેપારીને લાલ-બત્તીવાળી કારમાં બેસાડી મુખ્ય પ્રધાનના વર્ષા બંગલા પર લઇ ગયો હતો. જોકે મુખ્ય પ્રધાન બંગલામાં હાજર નથી તેવું જણાવી ફરીથી કાર આગળ હંકારી જઇ વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો. આરોપીનું નામ વૈભવ ઠાકરે છે. પોલીસે ઠાકરે સહિત તેની પત્ની, સાસુ અને એક દલાલ વિરૃદ્ધ એલટી માર્ગ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.

આ બાબતે પ્રાપ્ત વધુ વિગતાનુસાર છેતરપિંડીનો ભોગ બનેલા વેપારી શૈલેષ જૈન ઝવેરી બજારમાં હીરા જડિત સોનાના દાગીનાનો વેપાર કરે છે તેઓ માર્કેટના જ એક દલાલ બિરજુએ પરિચય કરાવતા વૈભવ ઠાકરેના સંપર્કમાં આવ્યા હતા. વૈભવે વેપારીને જણાવ્યું હતું કે તે સીએમઓમાં અધિકારી તરીકે કામ કરે છે. આ સમયે ઠાકરેએ ફરિયાદી જૈનને અમૂક કામસર મદદનું આશ્વાસન આપ્યું હતું વેપારીને વિશ્વાસ બેસે તે માટે એકવાર ઠાકરે લાલબત્તીવાળી કારમાં ફરિયાદીને બેસાડી મુખ્ય પ્રધાનના 'વર્ષા' બંગલા પર પણ લઇ ગયો હતો  જોકે મુખ્ય પ્રધાન બંગલામાં હાજર નથી તેવું જણાવી મુખ્ય પ્રધાન સાથે મુલાકાત કરાવી આપશે તેવું આશ્વાસન આપતો હતો દરેક વખતે વૈભવ ઠાકરે લાલ બત્તીવાળી કારમાં આવતો હોવાથી વેપારીને તેના પર વિશ્વાસ બેસી ગયો હતો.

વેપારી વાતોમાં આવી ગયા હોવાનું નોંધી વૈભાવ ઠાકરેએ કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલ સોનું સાત ટકાના ડિસ્કાઉન્ટથી ઉપલબ્ધ કરી આપવાની ખાતરી ફરિયાદીને આપી હતી. આ સીવાય પત્ની અને સાસુ સોના-ચાંદી અને હીરા જડિત દાગીનાનું  ઓનલાઇન સેલ કરે છે તેવું કહી ૧.૧૫ કરોડની રોકડ અને ૧.૩૫ કરોડના દાગીના વેપારી પાસેથી મેળવ્યા હતા. જોકે આ રકમ અને દાગીના મેળવ્યા બાદ પણ વૈભવે ફરિયાદી વેપારીના કોઇ કામ કર્યા નહોતા. જ્યારે ફરિયાદીએ તેના પૈસા પાછા માગવાના પ્રયાસો કર્યા ત્યારે ઠાકરે વેપારીને અલગ-અળગ બહાના આપી ટાળવા માંડયો હતો.

વેપારી એ જ્યારે ઠાકરે પર પૈસા પાછા મેળવવા તકાદો કર્યો ત્યારે તેણે એક રાજકિય પક્ષના પદાધિકારી સાથે મળી વેપારી અને તેમના પુત્રને તેમની ઓફિસમાં આવી ધમકાવ્યા હા તેવું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આ ધમકી બાદ વેપારીએ વૈભવ સામે પોલીસમાં  ફરિયાદ નોંધાવી હતી. જોકે ત્યાર બાદ વૈભવે વેપારીની વિરૃદ્ધ ડેરેકટોરી ઓફ રેવેન્ય ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) માં ફરિયાદ કરી  વેપારી વિરૃદ્ધ ગુનો દાખલ કરાવ્યો  હતો જેથી વેપારીને દોઢ મહિના અટકાયતમાં રાખવામાં આવ્યા હતા.

આ પ્રકરણમાંથી બહાર આવ્યા બાદ જૈનની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આ સમગ્ર પ્રકરણે વધુ તપાસ હાથ ધરી છે.