Get The App

ગરમીથી બચવા મહાબળેશ્વર ગયેલા પર્યટકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયાં

Updated: May 29th, 2026

GS TEAM

Google News
Google News
ગરમીથી  બચવા મહાબળેશ્વર ગયેલા પર્યટકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયાં 1 - image

પર્યટનની મોસમમાં નબળી ટ્રાફિક વ્યવસ્થાની ફરિયાદ

રેડ બટન હોટેલથી મખરિયા ગાર્ડન સુધીના રસ્તા પર એકથી દોઢ કલાક સુધી વાહનોની લાંબી કતારો

મુંબઈબકરા ઈદ અને સાથે વીકેન્ડ આવતો હોવાથી મિની વેકેશનમાં ગરમીથી બચવા માટે મહાબળેશ્વરમાં મુલાકાતીઓનો ભારે ધસારો  થયો હતો. જોકે, સ્થાનિક તંત્ર ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ જતાં હજારો પ્રવાસીઓ આકરા ઉનાળામાં  ઘાટના રસ્તાઓ પર જ હેરાન પરેશાન થઈ ગયા હતા.

રેડ બટન હોટેલથી મખરિયા ગાર્ડન સુધીના રસ્તા પર એકથી દોઢ કલાક સુધી વાહનોની લાંબી કતારોમાં ફસાયા હતા. પર્યટનની મોસમનીમાં પોલીસ આયોજન કરવામાં નિષ્ફળ જવાથી પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

ટ્રાફિક જામ એટલો ગંભીર હતો કે ઘણા વાહનોમાંથી બલી ગયેલી બ્રેક અને ક્લચ પ્લેટ બળવાની તીવ્ર ગંધ આવતી હતી.  નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધ નાગરિકોને કલાકો સુધી તેમના વાહનોમાં ફસાયેલા રહેવાની ફરજ પડી હતી. શહેરના મુખ્ય માર્ગો વાહનોથી ઉભરાયા હતા. ઘણા હોમગાર્ડ્સ તેમના મોબાઈલ ફોનમાં વ્યસ્ત જણાયા હતા. પરિણામે ટ્રાફિક નિયંત્રણ સંપૂર્ણ પણે ખોરાયેલું હોવાનું જણાતું હતું. હજારો પ્રવાસી વાહનો શહેરમાં પ્રવેશતા હોવા છતાં, તૈનાત ટ્રાફિક મેનેજમેન્ટ ફોર્સમાં ફક્ત ત્રણ પોલીસ કર્મચારી, બે હોમગાર્ડ્સ અને નો -પાર્કિંગ ઝોનમાં પાર્ક વાહનોને વ્હીલ ક્લેમ્પ્સ જોડવા માટે સોંપાયેલા એક કર્મચારીનો સમાવેશ થતો હતો.

મહાબળેશ્વર જેવા વિખ્યાત પર્યટન સ્થળ પર દર વર્ષે પર્યટનની સિઝનમાં આવી જ અરાજકતા જોવા મળે છે. પોલીસ વહીવટીતંત્ર કોઈ નક્કર પાઠ શીખવામાં નિષ્ફળ જવા બદલ ટીકાનું કેન્દ્ર બને છે. લાખોની આવક કરતા પર્યટન શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાયેલી રહેતા સ્થાનિક રહેવાસીઓ અને મુલાકાતીઓએ તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી. પોલીસની વહીવટી નિષ્ક્રિયતા પર્યટન શહેરની પ્રતિષ્ઠા અને છબિને ખરડી રહી હોવાનો નાગરિકોનો મત થઈ રહ્યો છે.