Get The App

પુણે શહેર, પરાંમાં મુશળધાર વર્ષા : આવતા ચાર દિવસ ભારે વરસાદની આગાહી

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
પુણે શહેર, પરાંમાં મુશળધાર વર્ષા : આવતા ચાર દિવસ ભારે વરસાદની આગાહી 1 - image


રસ્તા પર ગોઠણસમાં પાણીને લીધે વાહન વ્યવહાર અટક્યો

મુંબઇ સહિત કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદનો સંકેત

પુણે/ મુંબઇ: પુણે  અને તેનાં  પરાં વિસ્તારમાં શુક્રવારે સાંજે મેઘગર્જના, વીજળી કડાકા, તોફાની પવન સાથે મુશળધાર વર્ષા થઇ હતી. પુણે શહેર સહિત વાઘોલી , શિવાજીનગર,પાશાણ,લવલે, લોહગાંવ, નેશનલ  ડિફેન્સ કોલોની,મગરપટ્ટા, ચીંચવડ વગેરે પરાં વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો  હોવાના સમાચાર મળે છે. 

હવામાન વિભાગે એવી માહિતી  આપી છે કે હજી આવતા ત્રણ દિવસ(૧૫થી ૧૭ -જૂન) દરમિયાન પુણે,  નાશિક, અહિલ્યાનગર, જાલના,છત્રપતિ સંભાજીનગરમાં  ગાજવીજ સાથે ભારે વર્ષા થવાની શક્યતા  છે.  સાથોસાથ ૪૦ -૫૦ કિલોમીટર(પ્રતિ કલાક)ની તીવ્ર ગતિએ પવન પણ ફૂંકાવાની સંભાવના છે. 

હવામાન વિભાગે આવતા  ચાર દિવસ(૧૫થી ૧૮,જૂન) દરમિયાન કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં  ગાજવીજ સાથે  મુશળધાર વરસાદનો વરતારો  આપ્યો છે. 

મુંબઇમાં આવતા ૪૮ કલાક(૧૫, ૧૬ - જૂન) દરમિયાન ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસવાનો સંકેત આપ્યો છે. 

હવામાન  વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને પુણે જિલ્લા કલેક્ટર ઓફિસે નાગરિકોને સાવધ રહેવાની  અને  વરસાદી પાણી ભરાવાની  શક્યતા છે તેવા વિસ્તારોમાં નહીં જવાની  સૂચના જારી કરી છે.  ઉપરાંત, નાગરિકોને  જરૂરી સહાય કે વ્યવસ્થા માટે  જિલ્લા કલેક્ટર ઓફિસના ટેલિફોન નંબર પર સંપર્ક  સાધવા સૂચના આપી છે.

શુક્રવારે  સાંજે  પુણે  શહેર  સહિત વાઘોલી, શિવાજીનગર, પાશાણ, લવલે, લોહગાંવ વગેરે પરાં વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયાં હતાં. શહેરમાં ચારે તરફ  સિમેન્ટ કોન્ક્રેટના રસ્તા અને ઉંચી રહેઠાણ ઇમારતોને કારણે  વરસાદી પાણીનો  નિકાલ  થઇ શકતો નથી. પરિણામે   રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાઇ જવાથી  વાહન વ્યવહાર અટકી ગયો હતો.   ટ્રાફિક જામ થઇ જવાથી અસંખ્ય વાહનચાલકો  મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.  

પુણેનાં પરાં વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જવાથી ચારે તરફ ગંદકી ફેલાઇ ગઇ હતી. આવા વરસાદી માહોલ અને ગંદકીથી શહેરમાં મેલેરિયા, ડેન્ગુ,આંખોમાં બળતરા, પેટમાં દુઃખાવો વગેરે જેવા પાણીજન્ય રોગ ફેલાવાની ચિંતા પણ વ્યક્ત થઇ રહી છે. 

આજે પુણેના શિવાજીનગરમાં  ૬૩.૫ મિલિમીટર,  ચીંચવડ-૫૮.૦ મિ.મિ., લોહગાંવ -૫૪.૨,  લવલે -૫૧.૫,મગરપટ્ટા-૪૩.૫, તળેગાંવ-૪૨.૫,લોનાવલા -૩૯.૫,રાજગુરુનગર-૩૯.૫,હડપસર-૩૮.૫, ગિરિવન-૩૩.૫, દૌંડ-૩૨.૦, હવેલી-૨૯.૫, નારાયણ ગાંવ - ૨૦.૦ મિ.મિ. વરસાદ વરસ્યો  હોવાના સમાચાર મળે છે.

Tags :