Get The App

મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદે 2 દિવસમાં 18 જણનો ભોગ લીધો

Updated: Jun 17th, 2025

GS TEAM

Google News
Google News
મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદે 2 દિવસમાં 18 જણનો ભોગ લીધો 1 - image


લોનાવાલાનો ભુશી ડેમ ઓવરફલો

કશેડી ટનલ પાસે ભેખડ ધસી ઃ રત્નાગિરીની જગવુડી નદીએ ભયજનક સપાટી વટાવી

મુંબઈ -  મુંબઇ, થાણે અને નવી મુંબઇ સહિત રાજ્યના અનેક વિસ્તારોને ધમરોળી રહેલા મુશળધાર વરસાદે છેલ્લાં બે દિવસમાં ૧૮ જણનો ભોગ લીધો હતો. આમાંથી ૯ જણ વીજળી પડવાથી માર્યા  ગયા હતા. બાકી પુલ અકસ્માતમાં નદી  અને ભુશી ડેમમાં ડૂબવાથી જીવ ગુમાવ્યો હતો. આજે લોનાવલાનો ભુશી ડેમ  ઓવરફલો  થયો હતો.

મુંબઇ, થાણે, પાલઘર અને  રાયગઢ સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદને પગલે જનજીવનને માઠી અસર થઇ હતી. પાવરલૂમ સિટી ભિવંડીમાં ગઇકાલથી પડી રહેલાં જોરદાર વરસાદને કારણે તીન બત્તી અને નિઝામપૂરા સહિત અનેક વિસ્તારોમાં રસ્તા  પર પાણી ફરી વળતા વાહન-વ્યવહાર અટકી ગયો હતો.

 કોકણમાં મેઘરાજાની મહેર થવાથી કેટલીક નદીઓ બેકાંઠે વહેવા લાગી હતી. રત્નાગિરી જિલ્લાની જગબુડી નદી એ ભયજનક સપાટી વટાવતા નદી કાંઠાના ગામોમાં પાણી ફરી વળ્યું હતું. સિંધુદુર્ગ, સંગમેશ્વર, રોહા, તળા, મહાડ સહિત અનેક  ગામોને ગાંડાતૂર વરસાદે ધમરોળી નાખ્યા હતા.

કશેડી ટનલ પાસે જ પહાડ પરથી ભેખડો ધસી પડી હતી. આને કારણે થોડો સમય વાહન-વ્યવહાર ખોરવાયો હતો. આવી જ રીતે રત્નાગિરીના ભાતગાંવમાં પણ ભેખડ ધસી પડી હતી.

પુણે, સાતારા અને કોલ્હાપુરમાં પણ સારો વરસાદ  પડયો હતો. કોલ્હાપુરના રાજારામ ડેમના ઉપરવાસમાં સારો વરસાદ થતા ડેમની સપાટી ૧૭ ફૂટ પર પહોંચી હતી.


Tags :