મહારાષ્ટ્રના ટોચના ન્યુરોલોજિસ્ટ ડો. શિરીષ વળસંગકરની આત્મહત્યાનો ભેદ અકબંધ
વિખ્યાત સર્જને જાતે માથે ગોળી મારી દીધી હતી
10 દિવસથી પોલીસ ગોથાં ખાય છેઃ દુષ્પ્રેરણા માટે હોસ્પિટલની મહિલા કર્મચારીની ધરપકડ થઈ પરંતુ કશું નક્કર મળ્યું નથી
મુંબઇ - મહારાષ્ટ્રના સોલાપુરના પ્રખ્યાત ન્યુરોસર્જન ડો. શિરીષ વળસંગકર એ દસ દિવસ પહેલા માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાને દસ દિવસ થયા બાદ પણ ડોક્ટરે આવું અંતિમ પગલું ક્યાં કારણસર ભર્યું હતું તેનું રહસ્ય હજી અકબંધ છે. પોલીસ હોસ્પિટલની મહિલા કર્મચારીની ધરપકડ કરી ચૂકી છે. પારિવારિક વિખવાદનાં કારણો પણ ચર્ચાઈ રહ્યાં છે. જોકે, પોલીસને હજુ કોઈ નક્કર કારણ મળ્યું નથી.
પોલીસ આ સમગ્ર ઘટના બાબતે ઉંડી તપાસ કરી રહી છે પણ હજી પોલીસને આ કેસમાં ધારી સફળતા મળી નથી. ૬૯ વર્ષીય ડો. વળસંગકરની આત્મહત્યા બાદ પોલીસે ડોક્ટરને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવાના આરોપસર તેમની હોસ્પિટલની એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર મનિષા માને- મૂસળેની ધરપકડ કરી હતી જો કે તેની પૂછપરછ અને તપાસમાં પણ કોઇ નક્કર કારણ બહાર આવ્યું નથી.
આત્મહત્યા પહેલા ડો. વળસંગકરે એક સુસાઇડ નોટ લખી હતી જેમાં મનિષા મુસળે માનેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેથી તેની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી હતી. જો કે પાંચ દિવસની પોલીસ કસ્ટડી બાદ પણ કોઇ નક્કર માહિતી સામે આવી નહોતી. આ મામલે પોલીસે ડોક્ટર વળસંગકરના પુત્ર ડો. અશ્વિન અને પુત્રવધુ સોનલની પણ પૂછપરછ કરી હતી. જો કે આ લોકોની પૂછપરછમાં પણ ડો. વળસંગકરે શા માટે આત્મહત્યા કરી હતી તે જાણી શકાયું નહોતું. તેથી ડો. વળસંગકરની આત્મહત્યા માટે કોણ જવાબદાર છે તે બાબતે લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
ડો. શિરીષ વળસંગકરે ૧૮ એપ્રિલના રાત્રે સાડા આઠ વાગ્યે તેમના બેડરૃમમાં માથે ગોળી છોડી આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ સોલાપુર પોલીસની ટીમે ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
ડો. શિરીષ વળસંગકર એક ખ્યાતનામ ન્યુરોલોિજિસ્ટ હતા. સોલાપુરથી એમબીબીએસ અને એમ.ડી.નો અભ્યાસ કર્યા બાદ તેમણે લંડનની રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન્સમાંથી પણ પદવી મેળવી હતી. વર્ષો સુધી ઉંડો અભ્યાસ અને અનુભવ લીધા બાદ ડો. વળસંગકરે મહારાષ્ટ્ર અને તલંગણાના સીમાવર્તી ભાગમાં એસ.પી. ઇન્સિટટયૂટ ઓફ ન્યુરોસાયન્સ નામની તમામ સુવિધા સહિતની અદ્યતન હોસ્પિટલ ઉભી કરી હતી. ડો. વળસંગકરની ગણના દેશના ટોચના ન્યુરોલોજિસ્ટમાં થતી હતી.