Mumbai

ટમેટાની કિંમત એક જ અઠવાડિયામાં બમણી

By GS TEAM
19 Dec 20251 min read
ટમેટાની કિંમત એક જ અઠવાડિયામાં બમણી

ટમેટાના ભાવ ફરી લાલચોળ

ગુવાર અને ભીંડા  પણ મોંઘા થયાંઃ વટાણા અને ભાજીના ભાવ ઘટયા

મુંબઈ -  નવી મુંબઈની એ.પી.એમ.સી.ની જથ્થાબંધ ભાજીપાલા માર્કેટમાં એક જ અઠવાડિયામાં ટમેટાના ભાવ બમણાં થઈ ગયા છે. ૧૬થી ૩૪ રૃપિયે કિલો વેંચાતા ટમેટા અત્યારે ૨૬થી ૬૦ રૃપિયે કિલો વેંચાવા લાગ્યા છે. રિટેલમાં ટમેટાની કિંમત ૬૦થી ૮૦ રૃપિયાની આસપાસ છે. આવી જ રીતે ગુવાર, સરગવાની શિંગ અને ભિંડા મોંઘા થયા છે.

શિયાળો બેઠા પછી માગણીની સરખામણીએ આવક ઘટતા ટમેટાની કિંમત ઊંચે જવા માંડી છે. એ.પી.એમ.સી. માર્કેટમાં ગઈકાલે ફક્ત ૧૮૬ ટન ટમેટાની આવક થઈ હતી. પરિણામે છૂટક બજારમાં કિંમત ઝડપથી વધવા માંડી છે.

રાહતના સમાચાર એ છે કે વટાણા અને વિવિધ પ્રકારની ભાજીના દર ઘટવા માંડયા છે. એ.પી.એમ.સી.માં ગઈકાલે એક જ દિવસમાં ૪૪૬ ટન વટાણાની આવક થઈ હતી. આવક વધતા હોલસેલમાં વટાણાનો ભાવ ૫૦થી ૭૦ રૃપિયા હતો એ ઘટીને ૩૦થી ૪૦ રૃપિયા થયો છે. રિટેલ માર્કેટમાં વટાણા ૬૦ રૃપિયાની આસપાસ વેંચાવા માંડી છે. આવી જ રીતે કોથમીરની જૂડી ૨૦ રૃપિયે, મેથી અને પાલક ૨૦થી ૩૦ રૃપિયે વેંચાવા માંડી છે.