સોશિયલ મિડીયા પર મુંબઈ પોલીસને એક દાયકો પૂર્ણ
મુંબઈ પોલીસે ૨૦૧૫થી પ્લેટફોર્મ એક્સ અને ઈન્સ્ટાગ્રામ દ્વારા ઓનલાઈન હાજરી શરુ કરી હતી
મુંબઈ - મુંબઈ પોલીસ વિભાગ સોશિયલ મિડીયા પર તેમની હાજરીના ૧૦ વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે બોલીવુડના અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર જેવા સેલેબ્રિટીઓએ મુંબઈ પોલીસ વિભાગની પ્રશંસા કરી હતી. આ પ્રશંસા ફક્ત જાહેર સલામતી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે જ નહીં, પરંતુ બોલિવૂડના સંદર્ભનો ઉપયોગ કરીને જનતા સાથેના તેમના સર્જનાત્મક જોડાણ માટે પણ પ્રશંસા કરવામાં આવી હતી.
વિગત મુજબ, મુંબઈ પોલીસ ધમધમતા મહાનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે. તેમણે નાગરિકો સુધી પહોંચવાના ભાગ રુપે ૨૮ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) અને ઈન્સ્ટાગ્રામ દ્વારા તેમની ઓનલાઈન હાજરી આપવાનું શરુ કરી હતી.
વર્ષોથી મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા ઝુંબેશ શેર કરી છે. આમાં ઘણીવાર બોલીવુડ ફિલ્મોના લોકપ્રિય સંવાદોનો ઉપયોગ કરીને ઝુંબેશના પોસ્ટરો બનાવવામાં આવે છે. મુંબઈકર સાથેના એક દાયકા (૧૦ વર્ષ) ના મજબૂત સંબંધોની ઉજવણી કરતા પોલીસે રવિવારે સોશિયલ મિડીયા પર તેમની અસરકારક હાજરીનો એક વિડીયો પોસ્ટ કર્યો હતો અને જણાવ્યું હતું કે રાતથી સવાર સુધી અમે ૨૪/૭ ઓનલાઈન અને ઓફલાઈન તમારી સાથે છીએ. છેલ્લા ૧૦ વર્ષોમાં અમે મુંબઈવાસીઓ સાથે મજબૂત અને સ્પષ્ટ સંબંધ બનાવ્યો છે.
આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા બોલિવૂડ અભિનેતા અને ક્રિકેટ દિગ્ગજોએ ખાસ સંદેશાઓ પોસ્ટ કરીને અને મુંબઈ પોલીસને ટેગ કરીને પોલીસ વિભાગની સેવા માટે કૃતજ્ઞાતા વ્યક્ત કરી હતી.
આમાં બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોસ્ટ કર્યું હતું કે આજ ખુશ તો બહુત હોંગે હમ! મુંબઈ પોલીસે સોશિયલ મિડીયા પર ગૌરવપૂર્ણ ૧૦ વર્ષ પૂરા કર્યા છે. સદ્રાક્ષયન ખલનિગ્રહણય જેનો સંસ્કૃતમાં અર્થ થાય છે, સારાનું રક્ષણ કરવું અને દુષ્ટતાને રોકવું, જે નાગરિકોની સુરક્ષા અને ખોટા કાર્યોને રોકવા માટેની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
તો બોલિવૂડના કિંગ ખાન શાહરુખ ખાને ૧૯૯૩માં આવેલી તેની ફિલ્મ ડરની એક પંક્તિને ટાંકીને પોસ્ટ કરી હતી કે ૭૦ મિનિટ નહીં,પૂરી જીંદગી કા સવાલ હૈ અને મુંબઈ પોલીસે આપણી સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. મુંબઈ પોલીસને તેમની નિઃસ્વાર્થ ફરજ માટે આભાર અને સોશિયલ મિડીયા પરના નોંધપાત્ર ૧૦ વર્ષ બદલ અભિનંદન.
૧૦ નંબરની જર્સી સાથે પ્રખ્યાત માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ પોસ્ટ કરતા નોંધ્યું હતું કે ૧૦ નંબરનું પોતાનું એક આકર્ષણ છે અને ૧૦૦ અને ૧૧૨ (પોલીસ હેલ્પલાઈન)નું પણ એવું જ આકર્ષણ છે. છેલ્લા એક દાયકામાં મુંબઈકરોને ઓનલાઈન સપોર્ટ અને માર્ગદર્શન આપવા બદલ મુંબઈ પોલીસને અભિનંદન!
તો સલામન ખાને પણ નાગિરકોને સાયબર સલામતી અને ડિજીટલ શિસ્ત અંગે શિક્ષિત કરવા બદલ મુંબઈ પોલીસની પ્રશંસા કરી હતી.
દરમિયાન પોલીસ કમિશ્નર દેવેન ભારતીએ પોસ્ટ કરતા જણાવ્યું હતું કે અમે કટોકટીમાં ચેતવણીઓ, હળવા ક્ષણોમાં હાસ્ય અને શહેરની સૌથી મુશ્કેલ કલાકોમાં શક્તિ બતાવવા માટે અમે દરેક મુંબઈકરોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. જેમણે અમને સોશિયલ મિડીયા પર અનુસર્યા, અમારી પોસ્ટો શેર કરી. અમારા પર વિશ્વાસ રાખ્યો અને અમારી સાથે જોડાયા છે. તમારા અવાજે આ યાત્રાને અર્થપૂર્ણ બનાવી છે.
વધુમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, અજય દેવગન, આયુષ્માન ખુરાના, શાહિદ કપૂર, અભિષેક બચ્ચન, ક્રિકેટર હાર્દિક પંડયા, સૂર્યકુમાર યાદવ સહિત અન્ય લોકોએ પણ મુંબઈ પોલીસની પ્રશંસા કરી હતી અને તેમની સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.


