Mumbai

લોન વસૂલીના માનસિક ત્રાસથી કંટાળીને જીમ ટ્રેનરે ટ્રેન સામે ઝંપલાવ્યું

By GS TEAM
22 Jun 20252 mins read
લોન વસૂલીના માનસિક ત્રાસથી કંટાળીને  જીમ ટ્રેનરે ટ્રેન સામે ઝંપલાવ્યું

તિલકનગર- ચેમ્બુર રેલવે સ્ટેશન વચ્ચે ઘટના બની

આત્મહત્યા પહેલા મૃતકે પરિવારને ત્રણ વિડીયો સંદેશાઓ મોક્લ્યાઃ ચાર સામે ગુનો નોંધાયા

મુંબઈ -  ચેમ્બુર અને તિલકનગર રેલવે સ્ટેશન વચ્ચે ૨૫ વર્ષીય જીમ ટ્રેનર લોનની ચૂકવણીને લઈને આરોપીઓ દ્વારા સતત  માનસિક ત્રાસ અને હેરાનગતિથી કંટાળીને લોકલ ટ્રેનની સામે ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલા તેણે ત્રણ વિડીયો સંદેશાઓ પરિવારને મોકલ્યા હતા.  વડાલા રેલવે પોલીસે આ મામલે ચાર શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, આ કેસમાં ૨૫ વર્ષીય રાહુલ વિશ્વકર્માનું મોત નીપજ્યું  હતું.  રાહુલ ધારાવીનો રહેવાસી હતો અને એક ખાનગી ફિટનેટ સેન્ટરમાં જીમ ટ્રેનર તરીકે કામ કરતો હતો. તે ઘટનાના થોડા દિવસો પહેલા જ જયપુરમાં તેની પ્રેમિકાને મળવા ગયો હતો. જો કે, આરોપીઓ દ્વારા તેને હેરાનગતિ કરતા પરત બોલાવવામાં આવ્યો હતો. જેથી તે મુંબઈ પરત ફર્યો હતો અને આ બધાથી કંટાળીને આખરે તેણે  તિલકનગર અને ચેમ્બુર રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનની સામે ઝંપલાવી દેતા આત્મહત્યા કરી હતી.

આ ઘટના પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, રાહુલે એક આરોપી પાસેથી પર્સનલ લોન લીધી હતી. જેમાં તેણે લોનની રકમ ચૂકવી દીધી હોવા છતાં આરોપીઓએ વધુ વ્યાજદરના નામે પૈસા માંગવાનું ચાલુ રાખ્યું હતું.વારંવાર ફોન કરીને તેની સાથે દુર્વ્યવહાર અને ધમકીઓ આપતા હતા સતત માનસિક ત્રાસ આપ્યો હતો. 

ઘટના બાદ પોલીસને તિલકનગર અને ચેમ્બુર રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પરથી રાહુલનો મૃતદેહ મળી આવ્યો હતો. 

વધુમાં રાહુલે તેના પરિવારના સભ્યોને ત્રણ વિડીયો મેસેજ પણ મોકલ્યા હતા. જેમાં તેણે લોન ચૂકવણી માટે તેને હેરાન કરતા ચાર શખ્સોના નામોનો ઉલ્લેખ કર્યો હતો. આ વિડીયોમાં તેણે ચારેય સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. આ ત્રણેય વિડીયો પોલીસે કબ્જે કરીને  ચારેય સામે કેસ નોંધ્યો હતો.