આઇસીયુની બાજુમાં જેન્ટસ ટોઈલેટમાં કોઈ બોમ્બ મૂકી ગયું
લો ઈન્ટેન્સિટિ બોમ્બ હતોઃ નિષ્ક્રિય કરતી વખતે હળવો વિસ્ફોટ થયોઃ એટીએસ પણ તપાસમાં સામેલ
મુંબઇ - પુણેના હડપસર વિસ્તારમાં કામધેનુ ઇસ્ટેટ સ્થિત ઉષા- કિરણ હોસ્પિટલમાંથી લો- ઇન્ટેન્સિટી ટાઇમર બોમ્બ મળી આવતા દોડધામ મચી હતી. પુણે પોલીસે આ મામલે એક શંકમંદને તાબામાં લઇ તેની પૂછપરછ હાથ ધરી છે.
બોમ્બ સ્કવોડની તપાસમાં હોસ્પિટલમાં મળી આવેલ શંકાસ્પદ વસ્તુ આઇડી યુક્ત લો- ઇન્ટેન્સિટી ટાઇમર બોમ્બ હોવાનું સ્પષ્ટ થયું છે જેને બોમ્બ સ્કવોડની ટીમે નિષ્ક્રિય બનાવ્યો હતો.પુણે પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ તેમજ એન્ટી ટેરિરિઝમ સ્કવોડ (એટીએસ) પણ આ કેસની તપાસમાં જોડાઈ હતી.
બુદવારે સાંજે ઉષા કિરણ હોસ્પિટલના પહેલા માળે પુરુષોના શૌચાલયની સફાઇ દરમિયાન એક મહિલાને ટાઇમર લગાવેલ શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. હોસ્પિટલના ડો. વિલાસ ગાયકવાડે પોતે તે વસ્તુને એક બોક્સમાં મૂકી અને હોસ્પિટલની બહાર ખાલી જગ્યામાં ખસેડી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. શરૃઆતમાં કોઇ તોફાનીએ ટીખળ કરી હોવાનું માનવામાં આવતું હતું. જો કે પોલીસની બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ ટીમ દ્વારા તપાસ કર્યા પછી એવું જાણવા મળ્યું હતું કે જીલેટીન સ્ટીક અને ડિજિટલ ટાઇમર સાથે જોડાયેલ આ શંકાસ્પદ વસ્તુ 'લો-ઇન્ટેન્સિટી બોમ્બ' છે. ત્યારબાદ બોમ્બને ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન નિયંત્રિત વિસ્ફોટ થયો હતો.
પોલીસે આપેલ પ્રાથમિક માહિતી મુજબ વિસ્ફોટ શક્તિશાળી નહોતો અને જો બોમ્બ હોસ્પિટલમાં ફૂટયો હોત તો પણ વ્યાપક નુકસાન થવાની શક્યતા ઓછી હતી. જો કે આ બોમ્બ હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ મૂકવામાં આવ્યો હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ આ ઘટનાને ખૂબજ ગંભીર માનવામાં આવે છે.
ભાંગફોડનું કાવતરું હોઈ શકે ઃ ફડણવીસ
હડપસરની હોસ્પિટલમાં ઇમ્પ્રુવાઇઝડ એક્સાલોઝિવ ડિવાઇસ (આઇઇડી) રિકવરીની ઘટના પાછળ ચોક્કસ પણે ભાંગફોડનો પ્રયાસ હોવાની શક્યતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વ્યક્ત કરી હતી. ફડણવીસે જણાવ્યું હતું કે જપ્ત કરાયેલી સામગ્રીનું સંપૂર્ણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સીસીટીવી ફૂટેજ ુપરાંત એઆઈ દ્વારા નંબર પ્લેટ ટ્રેસ કરી શકમંદની ઓળખ મેળવવા પ્રયાસ થઈ રહ્યો છે એમ તેમણે કહ્યું હતું.
સીસીટીવીમાં દેખાયેલો વ્યક્તિ એમ.આર. નીકળ્યો
પોલીસે સૌ પ્રથમ હોસ્પિટલમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમા સ્કૂટર પર એક વ્યક્તિ નજરે પડી હતી. આ વ્યક્તિ ત્યારબાદ હોસ્પિટલમાં પ્રવેશતી નજરે પડી હતી. પોલીસને આ વ્યક્તિ શંકાસ્પદ લાગતા પ્રથમ તેની તપાસ કરવામાં આવતા તે વ્યક્તિ મેડિકલ રિપ્રેઝન્ટેટિવ હોવાનું બહાર આવતા પોલીસે નવી દિશામાં ફરીથી તપાસ શરૃ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
૭ કલાકનું ટાઈમર ગોઠવાયું હતું
હોસ્પિટલમાં મળી આવેલ બોમ્બ સાથે સાત કલાકનું ટાઇમર પણ ગોઠવવામાં આવ્યું હતું. બોમ્બ સ્કવોડે ટાઇમર પરનો સમય નોંધી સુરક્ષાના કારણસર સમગ્ર વિસ્તારમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
આ બાબતે પુણેના પોલીસ કમિશનર અમિતેશકુમારે જણાવ્યું હતું કે ટાઇમર લગાડેલ બોમ્બ લો- ગ્રેડ આઇઇડી હોવાનું બહાર આવ્યા બાદ બોમ્બ સ્કવોડે હડપસરના ગ્લાઇડિંગ સેન્ટરની ખુલ્લી જગ્યામાં તેને સફળતાપૂર્વક નિષ્ક્રિય બનાવ્યો હતો. આ સમયે હળવો વિસ્ફોટ પણ થયો હતો. આ ઘટના બાદ પોલીસે ઠેર- ઠેર નાકાબંધી કરી બંદોબસ્ત વધારી દીધો હતો.


