એક બળદને મારી અને ત્રણ બાળકો પર હુમલો કર્યો
મા વિનાના ત્રણ બચ્ચા રઝળી પડયા ઃ અસહ્ય ગરમી અને થાકને લીધે મૃત્યુની સંભાવના
મુંબઇ - ચંદ્રપુર જિલ્લાના સિંદેવાહીના જંગલમાં બનેલી દિલધડક ઘટનામાં એક વિફરેલી વાઘણે બળદનો શિકાર કર્યો અને બે- ત્રણ બાળકો પર હુમલો કર્યા બાદ વનરક્ષકે ઘાયલ કર્યા પછી રહસ્યમય રીતે મોતને ભેટી હતી. અગન વર્ષાવતી ગરમી વચ્ચે વાઘણે એક કલાક સુધી સતત તરખાટ મચાવતા ગરમી ચડી જવાથી અને થાકને કારણે મોતને ભેટી હોવાની શક્યતા છે.
સિંદેવાહી વનક્ષેત્રમાં નવરગાંવ- રત્નાપુર ગ્રામ વિસ્તારની ઘટનામાં ગઇકાલે આ વાઘણે એક બળદનો શિકાર કર્યો હતો. ત્યાર પછી પોતાના બે બચ્ચાં સાથે ફરતી જોવા મળી હતી. બળદના શિકારની વાત વાયુવેગે ફેલાતાં ૫૦૦-૬૦૦ ગ્રામજનો હાકલા- પડકારા કરતા દોડી આવ્યા ંહતાં.
ઉહાપોહ મચી જતા વાઘણ વિફરી હતી અને ત્રણ બાળકો પર હુમલો કર્યો હતો. મોટા ટોળાએ વાઘણને ઘેરી લીધી છે એવી ખબર પડતાંની સાથે જ ફોરેસ્ટ ખાતાની ટીમ દોડી આવી હતી.
વાઘણની શોધ ચાલુ હ તી ત્યારે ફરજ પરના વનરક્ષક સજ્જન પારેકરની ઉપર વાઘણે ઓચિંતી તરાપ મારી હતી. ગંભીર રીતે જખમી થયેલા પારેકરને તરત જ ચંદ્રપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને એક કલાક વિત્યા પછી ધાનના ખેતરમાં વાઘણ નિશ્ચેચન અવસ્થામાં પડેલી જોવા મળી હતી. આ ધમાલમાં ત્રણેય બચ્ચાં ક્યાંક ખોવાઇ ગયા હતા.
મૃત વાઘણનાં શબને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ તેનાં શરીર પર ઇજાના કોઇ નિશાન નહોતા અને શરીરના તમામ અવયવો સાબૂત હતા એમ ફરજ પરના અધિકારીએ જણાવ્યું હતું. પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવ્યા પછી વાઘણના મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.


