મુંબઇમાં અમી છાંટણા પડવાની આગાહી
મુંબઇની હવાની ગુણવત્તાનો સરેરાશ આંક ૭૨(સારી શ્રેણી) નોંધાયો ઃ વિદર્ભમાં આજે હીટવેવની યલો એલર્ટ જારી
મુંબઇ - મુંબઇ સહિત મહારાષ્ટ્રનું હવામાન ભારે તોફાની બની રહ્યું છે. ઉનાળાના ધગધગતા દિવસો પસાર થઇ રહ્યા છે તેમ મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં ક્યારેક હીટ વેવની ચેતવણી હોય છે તો અચાનક મેઘગર્જના, વીજળીના કડાકા, તોફાની પવન, કમોસમી વરસાદની થપાટ વાગે છે.
હવામાન વિભાગે આવતા ચાર દિવસ(૨૦થી ૨૨, એપ્રિલ) દરમિયાન મહારાષ્ટ્રના ૨૭ જિલ્લામાં મેઘગર્જના, વીજળીના ચમકારા, તીવ્ર પવન સાથે વરસાદ( ૪૦ - ૫૦ કિ.મી. ઃ યલો એલર્ટ) નો વરતારો જારી કર્યો છે. હવામાનનો આ પલટો કોંકણથી લઇને છેક વિદર્ભ સુધી થવાની ચેતવણી આપવામાં આવી છે.
બીજીબાજુ મહારાષ્ટ્રના વિદર્ભ આખામાં ગરમીનો પારો ૪૦.૦ ડિગ્રી કરતાં પણ વધુ ધગધગતો નોંધાઇ રહ્યો હોવાના સમાચાર મળે છે. ૧૯, એપ્રિલે વિદર્ભનાં અકોલા, અમરાવતી, વર્ધામાં હીટવવ(ગરમીનું મોજું)ની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
હવામાન વિભાગ( મુંબઇ કેન્દ્ર) ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ બીક્રમ સિંહે ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે ૨૨, એપ્રિલે મુંબઇમાં મેઘગર્જના, વીજળીના ચમકારા, તીવ પવન સાથે હળવી વર્ષા થાય તેવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે. ૨૧,૨૨- એપ્રિલ દરમિયાન કોંકણ(થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ ઃ યલો એલર્ટ) માં ગાજવીજ સાથે માવઠું થવાની સંભાવના છે. ૨૦ થી ૨૨, એપ્રિલ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર( બીડ, નંદુરબાર, જળગાંવ, નાશિક, અહિલ્યાનગર, પુણે, કોલ્હાપુર, સાતારા, સાંગલી, સોલાપુર ઃ યલો એલર્ટ), મરાઠવાડા( છત્રપતિ સંભાજીનગર, પરભણી, બીડ, હીંગોળી, નાંદેડ, લાતુર, ધારાશિવ ઃ યલો એલર્ટ) માં ગાજવીજ સાથે તીવ્રપવન(૪૦થી ૫૦ કિ.મી.) અને કમોસમી વરસાદનો માહોલ સર્જાય તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે. વિદર્ભ(અકોલા, અમરાવતી, બુલઢાણા, ચંદ્રપુર, ગઢચિરોળી, વર્ધા, વાશીમ, યવતમાળ ઃ યલો એલર્ટ) માં ગાજવીજનું વાતાવરણ સર્જાય તેવાં તોફાની પરિબળો આકાર લઇ રહ્યાં છે.
હાલ મહારાષ્ટ્ર પર એન્ટિ સાયક્લોનની અસર છે. સાથોસાથ, છત્તીસગઢથી ગોવા સુધીના આકાશમાં બે વિરુદ્ધ દિશાના પવનોની જબરી ટક્કર થઇ રહી છે. ઉપરાંત, વાતાવરણના ઉપરના પટ્ટામાં હવાના હળવા દબાણનો પટ્ટો પણ સર્જાયો છે. થોડીક અસર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ થશે.
આવાં બદલાઇ રહેલાં કુદરતી પરિબળોની ભારે તીવ્ર અસરથી મહારાષ્ટ્રમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદનું તોફાન સર્જાય તેવી સંભાવના છે. ત્યારબાદ જોકે ગરમીનો પારો થોડોક નીચો રહેવાની શક્યતા છે. ગાજવીજ , તીવ્ર પવન સાથે કમોસમી વરસાદથી વાતાવરણમાંની ગરમી રહેશે.
આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૨.૪ અને લઘુત્તમ તાપમાન ૨૫.૫ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૪.૯ અને લઘુત્તમ તાપમાન ૨૫.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા, જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૮૨ ટકા જેટલું ઘણું વધુ રહ્યું હતું. આવતા ૪૮ કલાક દરમિયાન મુંબઇનું ગગન વાદળિયું રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન ૩૪.૦ ડિગ્રી, જ્યારે લઘુત્તમ તાપમાન ૨૪.૦ ડિગ્રી સેલ્સિયસ જટલું રહેવાની સંભાવના છે.


