Get The App

મુંબઈ-પુણે એક્સ. પર એસયુવી પલટતાં આઇઆઇટી બોમ્બેના 3 વિદ્યાર્થીનાં મોત

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
મુંબઈ-પુણે એક્સ. પર એસયુવી પલટતાં આઇઆઇટી બોમ્બેના 3 વિદ્યાર્થીનાં મોત 1 - image

ખંડાલામાં સૂર્યોદય જોયા બાદ રિટર્ન જર્નીજીવલેણ બની

સૂર્યોદય જોઈ મુંબઈ પાછા ફરતા વિદ્યાર્થીઓ પર કાળ ત્રાટક્યો

મુંબઈ -  પુણે જિલ્લાના ખંડાલામાં સૂર્યોદય જોઈ મુંબઈ પાછા ફરી રહેલા આઇઆઇટી-બોમ્બેના ત્રણ વિદ્યાર્થીઓની એસયુવી મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર પલટી જતા ત્રણેયના આગમખ્વાર અકસ્માતમાં મોત થયા હતા. આ ઘટના ગુરુવારે સવારે ૯.૩૦ કલાકે પનવેલ એક્ઝિટ પાસે બની હતી. એક ટ્રકને ઓવરટેક કરવાના પ્રયાસમાં આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોમાં જયપુરના શ્રેયાંશ શર્મા (૨૨), નાસિકના ઓમકુમાર બોરસે (૨૩) અને નાગપુરના લેય દેશભ્રતાર (૨૦)નો સમાવેશ થાય છે. આ બાબતે  મહારાષ્ટ્ર હાઇ-વે પોલીસના એડિશનલ એસ. પી. તાનાજી ચિકલેએ જણાવ્યું  હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના તેજ ઝડપને લીધે થઈ હોવાનું જણાય છે. જેમા વાહન પલટી થઈ ગયું હતું અને ત્રણ વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા.

આ સમયે અન્ય બે વાહનોમાં મુસાફરી કરી રહેલા તેમના બેચમેટ્સે તપાસકર્તાઓને જણાવ્યું હતું કે લેન બદલતી વખતે એસયુવી કદાચ ટ્રક સાથે અથડાઈ હશે, જેના કારણે ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હશે. હાલ પોલીસ આ નિવેદનોને આધારે વધુ તપાસ કરી રહી છે.

આ ઘટના બાદ ઇમરજન્સી હેલ્પલાઇન પર એલર્ટ મળતા બચાવ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. બાદમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પનવેલની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આઇઆઇટી-બોમ્બેના બે ફેકલ્ટી સભ્યો પણ હોસ્પિટલમાં પહોંચી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઘટના બાબતે પોલીસે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકોના પરિવારજનોને આ બાબતની જાણ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓનું એક જૂથ બુધવારે રાત્રે ફિલ્મ જોવા ગયું હતું અને ગુરુવારે વહેલી સવારે ૫.૩૦ વાગ્યે સૂર્યોદય જોવા ખંડાલા જવાનું નક્કી કર્યું હતું. તેઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે કાળનો કોળિયો બની ગયા હતા. પોલીસ સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોને આધારે અકસ્માતનું કારણ તપાસશે.