Mumbai

વિરારમાં અતિશય જોખમી જાહેર 61 બિલ્ડિંગોમાં હજુ પણ હજારોનો વસવાટ

By GS TEAM
30 Aug 20252 mins read
વિરારમાં અતિશય જોખમી જાહેર 61 બિલ્ડિંગોમાં હજુ પણ હજારોનો વસવાટ

રમાબાઈ એપાર્ટમેન્ટ જેવી  અનેક દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે

અવારનવાર સ્લેબ પડવાની, દિવાલો ધરાશાયી થવાની, તિરાડો પડવાની ઘટનાઓ છતાં પણ તંત્રની ઊંઘ ઉડતી નથી

મુંબઈ -  વિરારમાં રમાબાઈ એપાર્ટમેન્ટના ૧૨ ફલેટ્સ ધસી પડતાં ૧૭ લોકોનાં મોતની ઘટના બાદ જોખમી ઈમારતોનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ખુદ મહાપાલિકાનકા આંકડા અનુસાર ૬૧ ઈમારતો અતિશય જોખમી અને જર્જરીત છે. તેમ છતાં પણ આ ઈમારતો હજુ ખાલી કરાવાઈ નથી. 

 વસઈ-વિરારના વિવિધ ભાગોમાં ઘણી જૂની ઇમારતો અને બાંધકામો છે. આમાંની મોટાભાગની ઇમારતો અનધિકૃત છે અને કેટલીક ઇમારતોનું બાંધકામ ખૂબ જ જર્જરિત છે, જેના કારણે તે જોખમી સ્થિતિમાં છે. ચોમાસુ શરૃ થતાં જ સ્લેબ, દિવાલ અને જર્જરિત ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓ શરૃ થઈ હતી. તેથી, આ બધી ઇમારતો માં પણ ગમે ત્યારે હોનારત થઈ શકે તેમ છે. 

વિરાર-ઈસ્ટના વિજયનગરમાં  ૫૦ ફલેટ ધરાવતી રમાબાઈ એપાર્ટમેન્ટના ૫૦માંથી ૧૨ ફલેટ મંગળવારે રાતે પોણાબારે ધસી પડયા હતા. આ   દુર્ઘટનામાં ૧૭નાં મોત થયાં હતાં.  આ ઘટના પછી, આખી ઇમારત તોડી પાડવામાં આવી હતી. આના કારણે ઘણા પરિવારો બેઘર થઈ ગયા છે. આવી ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે, તેથી જર્જરિત અને જોખમકારક ઇમારતોની સલામતીનો પ્રશ્ન ઉભો થયો છે. ઘણી જોખમકારક ઇમારતો છે અને લોકો તેમાં રહે છે. આમાંથી મોટાભાગની ઇમારતો અનધિકૃત છે અને તેનું બાંધકામ નબળી ગુણવત્તાનું છે. રોષે ભરાયેલા નાગરિકોએ પ્રતિક્રિયા આપી છે કે જો મહાનગરપાલિકાએ સમયસર આવી જર્જરિત ઇમારતો પર ધ્યાન આપ્યું હોત તો આવી ઘટનાઓ ટાળી શકાઈ હોત.