મહારાષ્ટ્રમાં દર વર્ષે હજારો બાળકો બની રહ્યા છે હૃદયરોગનો ભોગ

આરોગ્ય વિભાગે પાંચ વર્ષની માહિતી આપી
સ્કૂલે સ્કૂલે જઈ ચલાવેલા આરોગ્ય અભિયાનના પરિણામે બાળકોમાં હદયરોગની જાણ થઈ
મુંબઈ - હાર્ટ અટેક એ માત્ર વયસ્કોને થતો રોગ હોવાની વિચારધારા હવે લૂપ્ત થઈ રહી છે. મહારાષ્ટ્ર સહિત દેશભરના નાના બાળકોમાં પણ જન્મજાત હૃદયવિકાર (કન્જનાયટલ હાર્ટ ડિસીસ) અને જન્મ બાદ વિકસિત થતાં હૃદયવિકારનો ઝડપભેર વધારો થઈ રહ્યો હોવાનું નિષ્ણાતોનું નિરીક્ષણ રહ્યું છે. જલ્દી થતાં લગ્ન, ખોટી આહાર પદ્ધતી, સ્ભૂળતા, તણાવ, માતાનું નબળું આરોગ્ય, પ્રદૂષણ, ડાયાબિટીસ આ મુખ્ય કારણભૂત તત્વો હોવાનું જાણવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય આરોગ્ય અભિયાનની આંકડાકીય માહિતીનુસાર, ૨૦૧૮ થી ૨૦૨૩ દરમ્યાન રાજ્યમાં જન્મજાત હૃદયવિકાર ધરાવતાં બાળકોની નોંધણીમાં ૪૦ ટકાનો વધારો થયો છે. નાગપુર, પુણે, મુંબઈ જેવા શહેરોની સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં દરવર્ષે ૧૦ થી ૧૨ હજાર નવજાતોમાં હૃદયવિકાર જોવા મળે છે. રાષ્ટ્રીય સ્તરે પણ આ પરિસ્થિતિ ગંભીર છે.
એનએચએમ મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના ૨૦૧૮ થી ૨૦૨૩ના સમયગાળામાં મહારાષ્ટ્રમાં બાળહૃદયરોગનું પ્રમાણ મોટું હોવાનું જણાયું છે. ૨૦૧૮માં ૮૫૦૦ બાળકોને હૃદયરોગ નોંધાયો હતો. ત્યારબાદ ૨૦૧૯માં ૯૩૦૦, ૨૦૨૦માં ૧૦૨૦૦, ૨૦૨૧માં ૧૧૦૦૦ અને ૨૦૨૨માં ૧૧૮૦૦ તેમજ ૨૦૨૩માં ૧૨૫૦૦ બાળકોને હૃદયરોગ જણાયો હોવાની માહિતી આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જ મળી છે.
આરોગ્ય વિભાગે સ્કૂલે સ્કૂલે ચલાવેલા આરોગ્ય અભિયાનના માધ્યમે બાળકોમાં રહેલી આ બિમારીની જાણ મોટા પાયે થઈ શકી છે. કેઈએમના એક ડૉક્ટરના જણાવ્યાનુસાર, હવે સારવારની અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થતાં નાના બાળકોમાં હૃદયવિકારની સમસ્યાઓ પણ જલ્દી સામે આવે છે અને તેની સારવાર પણ વહેલી તકે થઈ શકે છે.








