ભારતમાં ઉટરની બે પ્રજાતિ છે : નજીકના ગોવાના દરિયામાં જોવા મળે છે
ખારઘરની સમુદ્રી ખાડીમાં 2 સુંદર ઉટર્સ જોવા મળ્યાં
મુંબઇ : ખારઘરની દરિયાઇ ખાડીમાં શુક્રવારે બે ઉટર્સ જોવા મળ્યાં હતાં. ખારઘરનાં કેટલાંક સ્થાનિક સેક્ટર ૧૬ નજીકની દરિયાઇ ખાડીમાં બે ઉટર્સ જોયાં હતાં.
ખારઘરનાં અમુક પ્રકૃતિ પ્રેમીઓએ જણાવ્યું હતું કે અમે ૨૦૨૧ના ઓગસ્ટમાં પણ અહીંની દરિયાઇ ખાડીમાં બે સુંદર ઉટર્સ જોયા હતાં.હવે ૨૦૨૨માં અમે આ જ સમુદ્રી ખાડીમાં ફરીથી બે ઉટર્સ જોયાં એટલે આનંદ સાથે આશ્ચર્ય પણ થયું છે.
દરિયાઇ જીવોના નિષ્ણાતોના કહેવા મુજબ ઉટર ખરેખર તો દરિયાઇ સસ્તન પ્રાણી છે. ઉટરનું મૂળ વતન પૂર્વ અને ઉત્તર પેસિફિક મહાસાગર છે. જોકે ઉટર જમીન પર અને પાણીમાં એમ બંને સ્થળે રહેતું ઉભયચર સસ્તન પ્રાણી છે. આમ છતાં ઉટર વધુ સમય દરિયામાં રહે છે. ઉટરના શરીર પર સુંવાળી અને ઘટાદાર રૃંવાટી હોય છે. ગળાના નીચેના હિસ્સામાં સફેદ પટ્ટો હોય છે. ઉટરનું વજન લગભગ ૧૪થી ૪૫ કિલો હોય છે.
સમુદ્રી જીવોના નિષ્ણાતોના કહેવા મુજબ સમગ્ર વિશ્વમાં ઉટર્સની કુલ ૧૩ પ્રજાતિ છે. આમાંની ૩ પ્રજાતિનાં ઉટર્સ ભારતમાં જોવા મળે છે. ઉટર્સની એક પ્રજાતિ ગોવાના દરિયામાં પણ જોવા મળે છે. જોકે બે ઉટર્સ ચોક્કસ કયાંથી અને કયા દરિયાઇ માર્ગે છેક મુંબઇના સમુદ્ર સુધી કઇ રીતે આવ્યાં હશે તેની માહિતી મેળવવી જરૃરી છે.વળી, ઉટર દેખાવમાં બહુ સુંદર પ્રાણી હોવાથી તેની રક્ષા કરવી પણ જરૃરી છે.