ગુરુ, શુક્ર, મંગળ, શનિ એક રેખામાં આવ્યા હોવાનો નઝારો 1 હજાર વર્ષ પછી સર્જાયો છે
26 એપ્રિલથી અવકાશમાં સર્જાયેલા શો 30 એપ્રિલ સુધી ચાલશે
મુંબઇ : ૩૦, એપ્રિલ સુધી પૂર્વના આકાશમાં વહેલી સવારે ૩ (ત્રણ)થી પાંચ વાગ્યા સુધી ગુરુ, શુક્ર, મંગળ અને શનિ એમ ચાર ગ્રહોનો મનમોહક કુદરતી નજારો હાલ શરુ થયો છે. આવો ખગોળીય યોગ એક હજાર વર્ષ પછી સર્જાયો છે.
છેલ્લે ઇસ. ૯૪૭માં આ ચાર ગ્રહો એક રેખામાં હોવાનું નાસાની લેબોરેટરીએ જણાવ્યું
આ અદભૂત નિસર્ગ દર્શનમાં મનમોહક ચંદ્રમાનું ઝળહળતું સૌંદર્ય પણ જોવા મળશે. આ યાદગાર ખગોળિય સૌંદર્ય ૨૬, એપ્રિલથી શરૃ થયું છે.
અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નાસાની સહયોગી જેટ પ્રપલ્ઝન લેબોરેટરીના વિજ્ઞાાનીઓએ એવી માહિતી આપી હતી કે ગુરુ, શુક્ર, મંગળ, શનિ એ ચાર ગ્રહો ૧,૦૦૦ વર્ષ બાદ એક રેખામાં આવી રહ્યા છે.
આમ તો સૌર મંડળના ગ્રહો થોડાં થોડાં વરસના અંતરે એક રેખામાં આવતા હોય છે. જોકે ગુરુ, શુક્ર, મંગળ, શનિ ચાર ગ્રહો ઇ.સ. ૯૪૭માં એક રેખામાં આવ્યા હતા. તે ખગોળિય ઘટનાનાં ૧,૦૦૦ વર્ષ બાદ આ ચારેય ગ્રહો ફરીથી એક રેખામાં જોઇ શકાશે. એટલે આ અંતરીક્ષ ઉત્સવનું મહત્વ પણ વધી જાય છે.
હાલ લાલ રંગી મંગળ અને મોટા ઝળહળતા હીરા જેવો શુક્ર એમ બે ગ્રહો પૂર્વના ગગનમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે. હવે આ પ્રાકૃતિક સૌંદર્ય સાથે ૧૪,એપ્રિલે વહેલી સવારે ૩(ત્રણ) વાગે સૂર્ય મંડળના સૌથી વિરાટકાય ગુરુ ગ્રહનો પણ ઉદય થઇ ગયો છે. સાથોસાથ એપ્રિલના છેલ્લા ચાર દિવસ (૨૭,૨૮,૨૯,૩૦-એપ્રિલ) દરમિયાન સૌર મંડળના પાઘડીધારી શનિ મહારાજનું પણ આગમન થશે.આમ એપ્રિલના મધ્યથી છેલ્લા દિવસો સુધી પૂર્વના આકાશમાં વહેલી સવારે ૩(ત્રણ) બાદ ગુરુ, શુક્ર, મંગળ, શનિ એમ વારાફરતી ચાર ગ્રહોનું મનમોહક દર્શન કરી શકાશે.
જેટ પ્રપલ્ઝન લેબોરેટરીના વિજ્ઞાાનીઓએ એવી માહિતી પણ આપી હતી કે આ સુંદર ગ્રહ દર્શન સાથે રૃપકડા ચંદ્રનું સૌંદર્ય પણ જોવા મળશે. એટલે કે ૨૫, એપ્રિલે ચંદ્રમા શનિ નીચેથી પસાર થયો હતો. શશિ(ચંદ્રનું સંસ્કૃત નામ) ૨૬, એપ્રિલે મંગળ નીચેથી પસાર થયો અને ૨૭, એપ્રિલે નિશિથ(ચંદ્રનું વધુ એક નામ)શુક્ર તથા ગુરુ બંને ગ્રહો નીચેથી પસાર થશે. આ તમામ દ્રશ્યો ખરેખર હૃદયંગમ હશે.
જોકે, ધ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી(મુંબઇ) ના અધ્યક્ષ ડો. જે. જે. રાવલે એક એવી માહિતી આપી હતી કે ખરેખર ત્રણ ગ્રહ ક્યારેય ેએક રેખામાં ના હોય. ગુરુ, શુક્ર, મંગળ, શનિ એમ ચારમાંથી ફક્ત બે ગ્રહો જ એક સાથે વારાફરતી જોઇ શકાશે. ચાર ગ્રહો વહેલી સવારે ત્રણ વાગ્યા બાદ જુદા જુદા સમયે જોઇ શકાશે.આમ છતાં પ્રકૃતિનો આ યાદગાર અને અભૂતપૂર્વ ઉત્સવનો આનંદ જરૃર માણવો જોઇએ.