- સમુદ્રની ગતિવિધિ, ભૂકંપશાસ્ત્રના નિષ્ણાત વિજ્ઞાનીઓનું નિરીક્ષણ
- 1,000 ચોરસ ફૂટના મોટા ઘેરાવામાં બનેલી રીંગથી માછીમારોમાં ભય ફેલાયો હતો : હાલ આ રીંગ અદ્રશ્ય
મુંબઇ : મુંબઇ નજીકની વસઇની સમુદ્ર ખાડીમાં લગભગ ૬૬ નોટિકલ માઇલ્સ દૂરના અંતરે સપાટી પર વિશાળ કદની રીંગ સર્જાઇ હતી . સ્થાનિક માછીમારોના કહેવા મુજબ મોટા કદના વમળ જેવી આ રીંગ લગભગ દસેક દિવસ પહેલાં બની હોવા છતાં કોઇ સરકારી એજન્સીએ યોગ્ય તપાસ નથી કરી કે કોઇ વૈજ્ઞાનિક પરીક્ષણ પણ નથી થયું.
વસઇના દરિયાની સપાટી પર સર્જાયેલી આ રીંગને કારણે સ્થાનિક માછીમારોમાં ભય ફેલાઇ ગયો હતો. બરાબર આ જ દિવસો દરમિયાન વસઇના પાચુબંદરથી કૃષ્ણ મોરલીખંડયાની બોટ ઓમ નમ : શિવાય દરિયામાં માછીમારી માટે નીકળી હતી. આ બોટ અચાનક જ થોડો સમય આ જ રીંગના વમળમાં ફસાઇ ગઇ હતી.જોકે માછીમારોએ તેમના અનુભવથી બોટના એન્જિનની ગતિ વધારીને બોટને હેમખેમ બહાર કાઢી હતી.
સ્થાનિક માછીમારોને નજીકનાપાલઘર જિલ્લામાં અવારનવાર થતા ભૂકંપની અસર હોવાની, જ્વાળામુખીની અસર હોવાની, સમુદ્રમાંથી પસારથતી ગેસની પાઇપલાઇનની અસર હોવાની શંકા છે.
ભારત સરકારના અર્થ સાયન્સ ડિપાર્ટમેન્ટ(અર્થ સાયન્સ ડિપાર્ટમેન્ટ અંતર્ગત ઇસરો, ભારત હવામાન વિભાગ સહિત મહત્વની વિજ્ઞાન સંસ્થાઓનો સમાવેશ થાય છે) ના સેક્રેટરી એમ. રવિચંદ્રને દિલ્હીથી ખાસ ટેલિફોનિક ઇન્ટર્વ્યુમાં ગુજરાત સમાચારને કહ્યું છે કે વસઇના દરિયાની સપાટી પર સર્જાયલી રીંગ માનવકૃત (મેન મેઇડ) હોવાની પૂરી શક્યતા છે. એટલે કે દરિયાના પેટાળમાં કોઇ મોટા કદની વસ્તુ કે વાહનનું હલનચલન થતું હોવાથી તેનાં કંપનોની અસરથી સપાટી પર આ રીંગ અથવા વમળ સર્જાયાં હોવાની પૂરી સંભાવના છે.
નેશનલ સેન્ટર ફોર પોલાર એન્ડ ઓશન રિસર્ચ(એનસીપીઓઆર : ગોવા) ના ડાયરેક્ટર તરીકે ઉજળી સફળતા મેળવનારા એમ. રવિચંદ્રને તેમના બહોળા સંશોધન અને અભ્યાસના આધારે ભારપૂર્વક કહ્યું છે કે આ રીંગને ભૂકંપના આંચકા કે પેટાળમાં જ્વાળામુખીની ગતિવિધિ અથવા સમુદ્રમાંના જુદા જુદા તાપમાન ધરાવતા કરન્ટ(પ્રવાહો) સાથે કોઇ જ સંબંધ નથી. આ રીંગ ધરતીકંપનાં કંપનોને કારણે કે જ્વાળામુખીની હિલચાલને કારણે પણ નથી સર્જાઇ.
વળી, મુંબઇ અને તેની નજીકના સમુદ્રના પેટાળમાં હાલના તબક્કે જ્વાળામુખી હોય અને તે સક્રિય પણ હોય તેવી કોઇ જ કુદરતી કડી કે ઇતિહાસ નથી. આમ વસઇના દરિયામાં બનેલી રીંગને કોઇ કુદરતી ગતિવિધિ સાથે સંબંધ હોય કે તેના કારણે બની હોવાની સંભાવના નથી.
ભાભા અણુ સંશોધન કેન્દ્ર(બી.એ.આર.સી.-મુંબઇ) ના સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ વડા અને વિશ્વ વિખ્યાત ભૂકંપશાસ્ત્રી ડો. એસ.કે. અરોરાએ તેમના બહોળા સંશોધન અને અભ્યાસના આધારે ગુજરાત સમાચારને કહ્યું છે કે વસઇના દરિયાની સપાટ પર બનેલી રીંગ(વમળ) જ્વાળામુખીની હિલચાલને કારણે કે ભૂકંપના આંચકાનાં સ્પંદનોને કારણે બની હોવાની કોઇ જ સંભાવના નથી. હાલ મુંબઇ કે નજીકના સમુદ્રના પેટાળમાં કોઇ સક્રિય જ્વાળામુખી નથી. વળી, નજીકના પાલઘર જિલ્લામાં અવારનવાર ધરતીકંપ થાય છે ખરા પરંતુ રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૨.૦.૨.૫ કે ૩.૦ જેટલી બહુ જ ઓછી નોંધાઇ છે. એટલે આ આ રીંગને ધરતીકંપ સાથે પણ કોઇ જ સંબંધ નથી.
હા, આજથી લગભગ પાંચ(૫) કરોડ વર્ષ પહેલાં મહારાષ્ટ્રની પશ્ચિમ -પૂર્વની કોંકણ પટ્ટી જ્વાળામુખીના લાવારસથી બનેલી છે.આ પટ્ટી છેક કેરળ સુધી ફેલાયેલી છે.ગુજરાતથી છેક કેરળ સુધી ફેલાયેલો પશ્ચિમ ઘાટ(વેસ્ટર્ન ઘાટ) પણ આ જ લાવારસથી બનેલો છે. જોકે આ કુદરતી ગતિવિધિ લાખો વર્ષ પહેલાં હતી.આજે નહીં.
પૃથ્વી પરના સૌથી વિશાળ અને સૌથી ઉંડા પેસિફિક મહાસાગર(જેને પ્રશાંત મહાસાગર કહેવાય છે)માં ભૂમધ્ય મહાસાગરમાં, જાપાનના સમુદ્રમાં અમુક ચોક્કસ વિસ્તારોમાં મોટાં મોટાં વમળ(વર્હલપૂલ) સર્જાય છે ખરાં. આવાં વમળનો આકાર શંકુ હોય છે. ઉપરથી પહોળો અને નીચેથી સાંકડો. આવાં ભયંકર વમળમાં કદાચ પણ કોઇ જહાજ આવી જાય તો તે તેમાં ખેંચાઇને ડૂબી જાય. છેક તળિયે જતું રહે.
વસઇના કોળી યુવા શક્તિ સંગઠનના સંજય કોળીએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે વસઇના દરિયાની સપાટી પર બનેલી રીંગનો ઘેરાવો લગભગ ૧,૦૦૦ ચોરસ ફૂટ જેટલો હતો. જોકે હાલ તો આ રીંગ અદ્રશ્ય થઇ ગઇ છે. આ વમળને કારણે વસઇના માછીમારો સમુદ્રમાં જવાનું ટાળતા હતા.
રીંગ દરિયાના જે વિસ્તારમાં બની હતી ત્યાં પાણીમાં તેલની કે અન્ય કોઇ પ્રવાહીની કોઇ અસર નહોતી જણાઇ.એટલે કે રીંગમાંનું પાણી પ્રદૂષિત થયું નહોતું. હા, પાણીમાં નાના નાના પરપોટા જોવા મળ્યા હતા. આનો અર્થ એવો થઇ શકે કે સમુદ્રના પેટાળમાંથી ગેસ બહાર આવતો હોવો જોઇએ. અમે અમારા બાળપણમાં આ જ વસઇના સમુદ્રમાં રાતે આગના ભડકા જોયા હતા. દરિયામાં આગ દેખાય તેનો અર્થ એવો થયો કે તેના પેટાળમાં ગેસનો જથ્થો હોવો જોઇએ અને તે કોઇક ચોક્કસ કારણસર બહાર એટલે કે સમુદ્રની છેક સપાટી સુધી આવ્યો હોવો જોઇએ.


