Mumbai

મહાલક્ષ્મી મંદિર સંકુલની કાયાપલમાર્ચ સુધીમાં પૂર્ણ થશે

By GS TEAM
21 Oct 20251 min read
મહાલક્ષ્મી મંદિર  સંકુલની કાયાપલમાર્ચ સુધીમાં પૂર્ણ થશે

શિલ્પો-ચિત્રોથી સજાવટ થશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસર જેમ ડેવલપ કરાશે તેવો દાવો

મુંબઈ -  દિવાળીમાં ભક્તોના અવિરત પ્રવાહથી ધમધમતા મહાલક્ષ્મી મંદિરના વિકાસનું ઝડપથી આગળ વધી રહેલું કાર્ય માર્ચ ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થશે. ઉજ્જૈનના મહાકાલ મંદિરની જેમ મુંહઈના આ પ્રાચીન મંદિરના સમગ્ર પરિસરને વિકસાવવામાં આવશે અને નવો ઓપ આપવામાં આવશે.

ભૂલાભાઈ દેસાઈ રોડ પર આવેલા મહાલક્ષ્મી મંદિરના વિકાસનું અને સુશોભીકરણનું કામ કેટલું આગળ વધ્યું એ જોવા માટે મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણીએ ગઈકાલે મંદિરની મુલાકાત લીધી હતી. મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસ્તાવિત ભક્ત નિવાસની જગ્યાનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું.

મહાલક્ષ્મી મંદિરમાં દર્શને આવતા ભક્તજનોની બહોળી સંખ્યા ધ્યાનમાં લઈને નવી સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. વિકાસકાર્ય પૂર્ણ થયા પછી દર્શન માટેની વ્યવસ્થા પણ સુલભ બનશે.

વિકાસ યોજના હેઠળ મહાલક્ષ્મી મંદિર તરફ જતા રસ્તા પર દુકાનો અને ગાળા છે તેની પુનર્રચના કરવામાં આવશે અને રસ્તો સુધારાશે. આ માર્ગ પર આસપાસની ભીંતો પર સુંદર ચિત્રકામ કરવામાં આવશે અને પુરાતન શૈલીના લેમ્પ- પોસ્ટ ઉભા કરવામાં આવશે. ભીડના નિયમન માટે વ્યવસ્થા કરવામાં આવશે. આકર્ષક રોશની કરવામાં આવશે અને શિલ્પો ઊભા કરવામાં આવશે.