- સ્ટેમ્પ ડયુટી અને વ્યાજ દરમાં વધારાને કારણે ફ્લેટોની વધેલી કિંમતની અસર વેંચાણ પર પડી
મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં નહિ વેંચાયેલા ફ્લેટોની સંખ્યા નવી ઊંચાઈએ પહોંચી છે. રિયલ એસ્ટેટના વિકાસને લઈને એક રિસર્ચ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર ૩૦ સપ્ટેમ્બરના રોજ વેચાણ માટે ઉપલબ્ધ નવા એકમોની સંખ્યા લગભગ ૩,૪૦,૦૦૦ એકમો પર પહોંચી ગઈ છે. આ સંખ્યા પ્રદેશમાં વિકાસકર્તાઓના વાષક વેચાણ કરતાં લગભગ ૫ ગણી છે.
નહિ વેંચાયેલા ઘરોમાં લગભગ ત્રીજા ભાગના એટલે કે એક લાખ મુંબઈ શહેરમાં છે જ્યારે બાકીના થાણે, પનવેલ, નવી મુંબઈમાં છે. મુંબઈમાં ન વેચાયેલા ૩૦ ટકા મકાનો ૧ કરોડથી નીચે અને ૭૦ ટકા ૨ કરોડ સુધીના છે. ૭૫ ટકા ન વેચાયેલા મકાનો ૨બીએચકે છે.
મુંબઈ મહાપાલિકાએ એફએસઆઈમાં ડિસ્કાઉન્ટની ઓફર કરતા ડેવલપરોએ નવા પ્રોજેક્ટ ઉત્સાહભેર શરૂ કર્યા હતા. નવા પ્રોજેક્ટોની મંજૂરી સામાન્ય વર્ષની સરખામણીએ પાંચ ગણી વધી ગઈ હતી. બિલ્ડરોએ તહેવારના સમયમાં ઉતાવળે ઘરો ઓફર કરતા નહિ વેંચયેલા એકમોની સંખ્યામાં જોરદાર વધારો થયો. આંકડા અનુસાર, નાણાકીય વર્ષ ૨૩ ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મહત્તમ શહેરમાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાં ૧૦ ટકાનો ઘટાડો થયો છે.
હવે સ્ટેમ્પ ડયુટીમાં ડિસ્કાઉન્ટની ઓફર સમાપ્ત થઈ હોવાથી અને ફરી પાંચ ટકાના દરે સ્ટેમ્પ ડયુટી વસુલવામાં આવતી હોવાથી બિલ્ડરોના ઈનપુટ ખર્ચમાં પણ વધારો થયો છે જેના કારણે બિલ્ડરોએ ફ્લેટોની કિંમતમાં વધારો કર્યો હતો. એની અસર વેંચાણ પર પડી હોવાનું માનવામાં આવે છે.
મોંઘવારી વચ્ચે આરબીઆઈના રેપો રેટમાં વધારાને કારણે હોમલોન્સ પર વધતા વ્યાજ દરોએ પણ ઈએમઆઈમાં ૮થી ૯ ટકાનો વધારો થયો છે. મહારાષ્ટ્રના મોટા શહેરોમાં ૧ ટકા મેટ્રો સેસથી ઘર ખરીદનારાઓ પર વધારાનું દબાણ આવે છે, જેના કારણે મુંબઈમાં સ્ટેમ્પ ડયુટી ૬ ટકા જેટલી થઈ જાય છે.
બાંધકામ માટે ઉપયોગમાં લઈ શકાય તેવા પ્લોટના ભાગ પર સરકારે ડિસ્કાઉન્ટ લંબાવ્યું હોવાથી, વિકાસકર્તાઓએ વધુ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે, જ્યારે માગ સમાન ગતિએ વધી નથી. તેથી, આગામી વર્ષોમાં ન વેચાયેલા મકાનોની સંખ્યામાં વધુ વધારો થવાની ધારણા છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૨૦માં ઘરનું વેચાણ ટોચે પહોંચ્યું હતું. છેલ્લા દસ વર્ષમાં આ બીજા નંબરનું સૌથી વધુ મકાન વેચાણ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જોકે આ વર્ષે આટલું ઘરનું વેચાણ થયું નથી.
બીજી તરફ ઓક્ટોબર મહિનામાં શહેર માટે એક લાખ નોંધણીઓ અને રેકોર્ડ સ્ટેમ્પ ડયુટી કલેક્શન રહ્યું હતું પરંતુ તે તહેવારોની ઉલ્લાસને આભારી છે. ભારતના ટિયર-૧ શહેરોમાં વેચાણમાં મંદી જોવા મળી છે અને મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં જુલાઈ-સપ્ટેમ્બર માટે વેચાણ ઊંચુ હોવા છતાં પનવેલ, થાણે અને દહિસરમાં તે નીચું હતું.


