નાગરિકો યાદગીરી રુપે ધ્વજ સાચવી શકશે
પાલિકાએ 35 લાખ તિરંગાનો ઓર્ડર આપ્યો છે
મુંબઇ : ભારતની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન યોજાયેલા 'ઘરે ઘરે તિરંગા' અભિયાન માટે મુંબઇ પાલિકાએ કુલ ૩૫ લાખ રાષ્ટ્ર ધ્વજના ઓર્ડર આપ્યો હતો. જેમાંથી ૧૦ લાખ ધ્વજ પાલિકાને મળ્યા છે બાકીના ૨૫ લાખ ધ્વજ તબક્કાવાર ત્રણ દિવસની અંદર ઉપલબ્ધ થશે. ત્યાર પછી ઘરે ઘરે ધ્વજનું વિતરણ શરૃ કરવામાં આવશે. તેમજ નાગરિકોને મળેલા રાષ્ટ્રધ્વજને અભિયાનના સમયગાળામાં સન્માન પૂર્વક પોતાના ઘરે ફરકાવવાની અપીલ મુંબઇ મહાપાલિકાએ કરી છે.
'ઘરે ઘરે તિરંગા' અભિયાન દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયું છે. અભિયાનનો હેતુ એ છે કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં બલિદાન પામેલા જાણીતા અને અજ્ઞાાત બધા જ સ્વાતંત્ર્યવીરોનું સ્મરણ થાય. તેથી પાલિકાએ પોતે જ મુંબઇગરા માટે રાષ્ટ્રધ્વજની ખરીદી કરીને નાગરિકોના ઘર સુધી તિરંગો પહોંચાડવાનો નિર્ણય લીધો છે.
પાલિકાના ૨૪ વોર્ડમાં ઘરોની સંખ્યા અનુસાર રાષ્ટ્રધ્વજનો પૂરવઠો તબક્કાવાર થશે. અભિયાન દરમિયાન રાષ્ટ્રધ્વજ ફરકાવવાની આચાર સંહિતાનું પાલન કરવાનું રહેશે. અભિયાનની સમાપ્તિ બાદ યાદગીરી તરીકે આ ધ્વજ બધા જ નાગરિકો પોતાની પાસે રાખી શકશે. આ બાબતે લોકોને સૂચના આપવાનો આદેશ પાલિકા કમિશનર ઇકબાલ સિંહ ચહલે બધા જ વોર્ડ અધિકારીઓને આપ્યો છે.


