- ચાહકોએ આશા અમર રહે... ના નારા ગજવ્યા
- દાદી આશાની સાથે પડછાયાની જેમ રહેતી પૌત્રી ઝનાઈ ધુ્રસ્કે ધુ્રુસ્કે રડી પડી: સચિન તેંડુલકરની આંખમાં ચોધાર આંસુ
- સ્મશાન યાત્રામાં પ્રમાણમાં ઓછી ભીડ: સમગ્ર સ્મશાન ગૃહને ફૂલોના સુશોભન તથા આશાજીની તસવીરોથી સજાવાયું
મુંબઇ : આઠ આઠ દાયકાની પાર્શ્વગાયિકા તરીકેની પ્રદીર્ઘ કારકિર્દી દર્મયાન હજારો ગીતોને કંઠ આપ્યા બાદ આશા ભોસલેનો સ્વર અનંતમાં વિલીન થઇ ગયો ત્યારે દેશ-વિદેશના અગણિત ચાહકોના હૈયામાં એક જ વાક્ય પડઘાયું હતું કે આશા અમર છે. સદગતના પાર્થીવદેહના અંતિમ-સંસ્કાર આજે સાંજે સંપૂર્ણ શાસકીય સન્માન સાથે ફૂલોથી સજાવેલી શિવાજી-પાર્કની સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા. જોકે સ્મશાનયાત્રામાં ધાર્યા કરતા ઓછી ભીડ હતી અને બોલિવૂડના કલાકારો પણ ખાસ નજરે નહોતા પડયા.
શનિવારે આશા ભોસલેની તબિયત બગડતા તરત જ તેમને બ્રીચ-કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં રવિવારે તેમણે ૯૨ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલમાંથી સદ્ગતના નશ્વર દેહને લોઅર-પરેલના કાસા-ગ્રાન્ડ નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો.
આજે લોઅર પરેલના નિવાસસ્થાને સવારે ૧૧ વાગ્યાથી આશાજીના પાર્થીવદેહને અંતિમદર્શન માટે ફૂલોથી સજાવીને રાખવામાં આવ્યો હતો. આમ તો ગઇકાલે રાતે જ અમિતાભ બચ્ચન સહિત અનેક કલાકારો અને કસબીઓએ અંતિમ દર્શન કરીને અંજલી આપી હતી.
આજે સવારે આશાતાઇના દર્શન માટે સંગીતકાર એ.આર. રહેમાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર વિતેલા જમાનાના ખ્યાતનામ અભિનેત્રી આશા પારેખ, હેલન, આમિર ખાન, રણવીર સિંહ, અનુપ જલોટા, શાન અને રિતેશ દેશમુખ વગેરે પહોંચી ગયા હતા. સચિન તેંડુલકર અને તેની પત્ની અંજની તેંડુલકર ચોધાર આંસુએ રડી પડયા હતા. સચિન પોતાના આંસુ છૂપાવી શક્યો ન હતો. તેને જોઈ અન્ય લોકો પણ ભાવુક બની ગયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લે આશાજી જાહેરમાં સચિનના પુત્ર અર્જુુનનાં લગ્ન પ્રસંગે જ જાહેરમાં દેખાયાં હતાં.
આશાજીની પૌત્રી ઝનાઇ હંમેશા પડછાયાની જેમ તેમની સાથે જ રહેતી હતી. ઝનાઇ માટે દાદીનું મૃત્યુ એ કારી ઘાવ સમાન બની રહ્યો હતો. ઝનાઇ તો રીતસર ભાંગી પડી હતી. ખાસ કરીને પોલીસ જવાનોએ સ્વ. આશાજીના પાર્થિવ દેહને તિરંગામાં લપેટી સલામી આપી ત્યારે એ દ્રશ્ય વખતે ઝનાઈથી રહેવાયું ન હતું અને તે ધુ્રસ્કે ધુ્રસ્કે રડી પડી હતી. ઝનાઈને શાંત પાડવાનું મુશ્કેલ બન્યું હતું. એક સમયે મંગેશકર પરિવારની જ એક સભ્ય એવી પદ્મિની કોલ્હાપુરેએ જાતે પાણીની બોટલ પકડીને ઝનાઈનાં મોઢાં સુધી લઈ જઈ તેને પાણી પીવડાવ્યું હતું.
પદ્મવિભૂષણથી સન્માનિત આશા ભોસલેના નશ્વરદેહને ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ઓઢાડવામાં આવ્યો હતો. અંતિમદર્શન બાદ મહાન પાર્શ્વગાયિકાના પાર્થીવદેહને ફૂલોથી સજાવવામાં આવેલા વાહનમાં મૂકવામાં આવ્યો હતો અને આશાજી અમર રહે...ના નારા સાથે અને પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્મશાનયાત્રા શિવાજી-પાર્કની દિશામાં આગળ વધી હતી. રસ્તામાં બને બાજુ હજારો લોકોએ સદ્ગતના દર્શન કર્યા હતા. બિલ્ડિંગોમાંથી ફૂલો વરસાવવામાં આવતા હતા. નિવાસસ્થાનથી લઇને સ્મશાનભૂમિ સુધી એક હજાર પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
સ્મશાનયાત્રામાં અપેક્ષા કરતાં ઓછી ભીડ નજરે પડી હતી. એમાં પણ હિન્દી સિનેજગતની હસ્તીઓ તો આંગળીને વેઢે ગણાય એટલી પણ નહોતી. જ્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે તથા સુનેત્રા પવાર અને કેબિનેટના પ્રધાનો હાજર રહ્યા હતા.
સ્મશાનયાત્રા ચાર વાગ્યાના સુમારે ફૂલોથી સજાવેલી શિવાજીપાર્કની સ્મશાનભૂમિમાં પહોંચી હતી. આખી સ્મશાનભૂમિ ફૂલોથી સજાવવામાં આવી હોય એવું પહેલી વાર જોવા મળ્યું હતું. સ્મશાનમાં આમિર ખાન, વિક્કી કૌશલ, સુદેશ ભોસલે, જેકી શ્રોફ, રાકેશ રોશન, રિતેશ દેશમુખ, નીલ નીતીન મુકેશ, પુનમ ધિલ્લન, સચિન અને આસુતોષ ગોવારીકર તથા સંગીતકાર અનુમલ્લિક પહોંચી ગયા હતા.
પોલીસ તરફથી ૨૧ ગન સેલ્યુટ આપવામાં આવ્યા પછી આશા ભોસલેના જયજયકાર સાથે પુત્ર આનંદ ભોસલેએ અગ્નિદાહ આપ્યો હતો. આમ સંગીત જગતના અણમોલ રત્ન સમાન આશા ભોસલેનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો હતો.


